તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
વલસાડ સાયબર ક્રાઇમનો મોટો ખુલાસો : સુરત રેન્જ વડા પ્રેમવિરસિંહના માર્ગદર્શનમાં એસપી યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા કરોડોના સાયબર ફ્રોડ રેકેટનો જબ્બર પર્દાફાશ : અમદાવાદનો મુખ્ય એજન્ટ હર્ષલ ઉર્ફે સંજય યાદવ ઝડપાયો
વલસાડના મોગરાવાડીના પકડાયેલા મ્યુલ બેંક ખાતાધારક નકુલ થોરાટની પૂછપરછમાં ૧.૯૯ લાખ યુએસ ડોલરના ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને દેશભરના ૭૦ કેસોમાં રૂ. ૫.૨૧ કરોડની ઠગાઈના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ

રાજકોટ: દેશભરમાં મ્યુલ બેંક ખાતાઓ મારફતે કરોડો રૂપિયાની સાયબર ઠગાઈ આચરતી ટોળકી સામે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી અને અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સુરત રેન્જ વડા પ્રેમવિરસિંહના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડના એસપી યુવરાજસિંહ જાડેજાની સાયબર ટીમે અત્યંત આયોજનબદ્ધ રીતે ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય અને સંભવિત આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા કરોડોના સાયબર ફ્રોડ રેકેટનો જબ્બર પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડમાં કમિશનની લાલચે બેંક ખાતાઓ ભાડે આપનારાઓથી લઈને છેક મુખ્ય એજન્ટ સુધીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરીને સમગ્ર રાજ્યના સાયબર જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
આ ચકચારી કેસની વિગત એવી છે કે, વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ વલસાડના મોગરાવાડી વિસ્તારના થોરાટ નકુલ રાજેશ થોરાટની ધરપકડ કરી હતી. નકુલ થોરાટે સાયબર ગઠિયાઓને નાણાકીય વ્યવહારો કરવા માટે પોતાનું મ્યુલ બેંક ખાતું પૂરું પાડ્યું હતું. પોલીસ કસ્ટડી દરમિયાન આ ખાતાધારકની આકરી અને ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેણે આ ગેરકાયદેસર નેટવર્કની કડીઓ હોબાળી હતી. તેની કબૂલાતના આધારે જ અમદાવાદના મુખ્ય એજન્ટ હર્ષલ ઉર્ફે સંજય હિંમતભાઈ યાદવની સંડોવણી સામે આવી હતી. મુખ્ય સૂત્રધારનું નામ ખુલતાની સાથે જ એસપી યુવરાજસિંહ જાડેજાએ એક્શન પ્લાન તૈયાર કરીને ખાસ ટીમ રવાના કરી હતી.
વલસાડ સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધીને આરોપીના ચોક્કસ લોકેશનની ભાળ મેળવી હતી. પોલીસે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વેશપલટો કરીને અત્યંત ગુપ્ત રીતે વોચ ગોઠવી હતી. આરોપી હર્ષલ ઉર્ફે સંજય હિંમતભાઈ યાદવ જેવા જ પોતાના અડ્ડા પર આવ્યો કે તુરંત પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં જ સાયબર ક્રાઇમના ઇતિહાસનો એક બહુ મોટો આંકડો સામે આવ્યો છે.
પોલીસે પકડેલા મુખ્ય એજન્ટ હર્ષલ યાદવની અંગઝડતી અને તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ હાઈટેક મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. સાયબર નિષ્ણાતો દ્વારા આ મોબાઇલ ફોનનું ઝીણવટભર્યું ડિજિટલ વિશ્લેષણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીના મોબાઈલમાંથી અંદાજે ૧.૯૯ લાખ યુએસ ડોલરના શંકાસ્પદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના સચોટ પુરાવા મળી આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કે કરન્સી ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસને મજબૂત શંકા છે કે આ ઠગાઈના તાર આંતરરાજ્ય સરહદો વટાવીને વિદેશી નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સાથે સીધા જોડાયેલા છે.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, હર્ષલ યાદવ અત્યંત શાતિર મગજ ધરાવે છે. તે ટેલિગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખોટી અને બોગસ ઓળખ (ફેક પ્રોફાઈલ) બનાવીને દેશભરના ભોળા અને જરૂરિયાતમંદ બેંક ખાતાધારકો તેમજ સ્થાનિક સબ-એજન્ટોનો સંપર્ક કરતો હતો. લોકોને ટૂંકા સમયમાં કમિશન મેળવવાની મોટી લાલચ આપીને તે મ્યુલ બેંક ખાતાઓ મેળવતો હતો. ત્યારબાદ સાયબર ફ્રોડ કરીને પડાવવામાં આવેલી કરોડોની રકમ આ મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ નાણાંને સગેવગે કરવા માટે ફાઇનાન્સ એપ્લિકેશનો, એટીએમ (ATM) વિથડ્રોઅલ અને ચેકબુકનો ધૂમ ઉપયોગ કરીને રકમ અન્ય અજ્ઞાત ખાતાઓમાં ખસેડી લેવામાં આવતી હતી.
વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની વર્તમાન તપાસ દરમિયાન દેશભરમાં આચરેલા આશરે ૭૦ જેટલા સાયબર ફ્રોડ કેસોની કડીઓ આ એક જ આરોપી અને તેના નેટવર્ક સાથે સીધી હોવાનું ટ્રેસ થયું છે. આ તમામ કેસોમાં થઈને કુલ રૂ. ૫.૨૧ કરોડથી વધુની મસમોટી રકમની ઠગાઈ થઈ હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે. સુરત રેન્જ વડા પ્રેમવિરસિંહ અને એસપી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ માત્ર હિમશીલાની ટોચ હોઈ શકે છે. આ ગંજાવર સાયબર નેટવર્કમાં હજુ પણ કયા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, મેળવેલા નાણાં કયા દેશોમાં અને કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવ્યા છે તે તમામ દિશાઓમાં પોલીસે કાયદાકીય સકંજો વધુ મજબૂત કરીને તપાસનો વ્યાપ દેશવ્યાપી સ્તરે લંબાવ્યો છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
