News of Saturday, 17th October 2026
વડોદરામાં નવરાત્રિ ટાણે મોટું કૌભાંડ: શક્તિ સર્કલ ગરબા અધવચ્ચે જ રદ થતા ખેલૈયાઓમાં ભારે રોષ, આયોજકો ભૂગર્ભમાં
હજારો ખેલૈયાઓ સાથે વિશ્વાસઘાત: લોકપ્રિય કલાકારોના નામે પાસ વેચી આયોજકો ફોન બંધ કરી રફૂચક્કર

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાંથી નવરાત્રિના પર્વની વચ્ચે એક ચોંકાવનારા અને ખેલૈયાઓ સાથે થયેલી મોટી છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના જાણીતા 'શક્તિ સર્કલ ગરબા' (Shakti Circle Garba) આયોજનમાં અચાનક અરાજકતા ફેલાઈ ગઈ છે. આયોજકો દ્વારા મસમોટી રકમ વસૂલીને અચાનક છઠ્ઠા નોરતે જ ગરબા મહોત્સવ અધવચ્ચે જ રદ કરી દેવામાં આવતા ગરબા રસિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, આયોજકો પોતાના ફોન બંધ કરીને ભૂગર્ભમાં જતા રહ્યા છે.
શું છે સમગ્ર કૌભાંડ?
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના સેવાસી-સિંધરોટ રોડ પર આવેલા ડેકાથલોન નજીક 'આરુષ લોન્સ' ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ગુજરાતના લોકપ્રિય કલાકારો જેવા કે જાણીતી ગાયિકા કિંજલ દવે, ઈશાની દવે, ગાયક વેદાંત રાવત અને પ્રખ્યાત સારથી બેન્ડના નામોનો ઉપયોગ કરીને વ્યાપક સ્તરે પ્રચાર કરવામાં આવ્યો હતો. ગરબાના શોખીન ખેલૈયાઓ પાસેથી પાસ દીઠ રૂ. 5,000 થી લઈને રૂ. 7,000 સુધીની માતબર રકમ એન્ટ્રી પાસના નામે વસૂલવામાં આવી હતી.
પરંતુ ઉત્સાહભેર નવરાત્રિની ઉજવણી કરી રહેલા ખેલૈયાઓ પર તે સમયે ગાજ વીંઝાઈ જ્યારે અચાનક છઠ્ઠા નોરતે આયોજકોએ ગરબા બંધ કરી દીધા હોવાની જાહેરાત કરી દીધી. આયોજકોની નાણાકીય ગેરવહીવટ અને મનમાનીને કારણે ગરબા અચાનક બંધ થઈ જતાં હજારો યુવક-યુવતીઓ અને પરિવારો નિરાશ થયા હતા.
આયોજકો ફોન બંધ કરી ફરાર, નગરસેવકો પણ પરેશાન:
આ ગરબા મહોત્સવના આયોજકો નિહાર પરીખ, હર્ષિલ કંથારીયા (હેરી) અને દીપ્તિ રઘુવંશી હોવાનું સામે આવ્યું છે. ગરબા અચાનક બંધ થઈ ગયા બાદ જ્યારે ખેલૈયાઓએ અને નાગરિકોએ આયોજકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના તમામ ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હતા. આયોજકો અચાનક ગાયબ થઈ જતા મામલો વધુ ગરમાયો છે. ખેલૈયાઓની ભારે પરેશાની અને રોષને કારણે સ્થાનિક રાજકીય નેતાઓ અને નગરસેવકોના ફોન પણ સતત રણકતા રહ્યા હતા.
નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં કલાકારોના નામોનો દુરુપયોગ કરીને લાખો રૂપિયા ખંખેરી લેવાના આ કૌભાંડથી વડોદરાના ખેલૈયા વર્ગમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે કડક તપાસ કરીને છેતરપિંડી આચરનાર આયોજકો સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
