તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 22nd May 2026
નર્મદા સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા: રાજપીપળામાંથી સાયબર ફ્રોડના ચોરીના નાણાં ખાતામાં મંગાવવાનું કૌભાંડ ઝડપાયું
૧૦% કમિશનની લાલચે એકાઉન્ટ આપનાર સહિત બે શખ્શો સામે ગુનો નોંધાયો: વર્ષ ૨૦૨૫માં ૧૩ અને ૧૪ ઓગસ્ટના બે દિવસ દરમિયાન આરોપી રતન ખટીકના બેંક ખાતામાં અચાનક રૂ. ૫૦ થી ૬૦ લાખ જમા થયા હતા, સાયબર પોલીસે મ્યુલ એકાઉન્ટના આધારે આખું નેટવર્ક પકડી પાડ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઇન્ટરનેટના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા ચોરીના નાણાં પોતાના બેંક ખાતામાં મંગાવી, કમિશન મેળવીને આગળ ટ્રાન્સફર કરવાનું એક મોટું કૌભાંડ નર્મદા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરીના સાયબર ક્રાઇમ સેલ દ્વારા 'સમન્વય પોર્ટલ' પર શંકાસ્પદ અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા મ્યુલ બેંક ખાતાઓ અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ માહિતીના આધારે નર્મદા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે રાજપીપલાની આઈડીએફસી બેંક (IDFC Bank) શાખાના એક શંકાસ્પદ ખાતાની તપાસ હાથ ધરી હતી. બેંક પાસેથી આ ખાતાની વિગતો અને કેવાયસી (KYC) મંગાવતા જાણવા મળ્યું હતું કે, આ ખાતું 'જય મેલડી માં ફ્રુટ એન્ડ વેજીટેબલ સપ્લાયર્સ' ના નામે ચાલતું કરંટ એકાઉન્ટ હતું, જેના પ્રોપરાઈટર રાજપીપલાના વડિયા કરાંઠા રોડ પર રહેતા રતનભાઈ રામચંદ્રજી ખટીક છે.
પોલીસે જ્યારે આ બેંક ખાતાધારક રતન ખટીકની કડક પૂછપરછ કરી ત્યારે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, અગાઉ આ જ બેંકની રાજપીપલા શાખામાં નોકરી કરી ચૂકેલા અને હાલ ડેડીયાપાડા ખાતે એક ખાનગી બેંકમાં ફરજ બજાવતો તેનો મિત્ર કિશનસિંહ રણવિરસિંહ પાંજરોલીયા રહે. સુર્યમંદિર હોસ્ટેલની સામે કાલીયાભુત, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાએ તેને એક સ્કીમ આપી હતી. કિશનસિંહે જણાવ્યું હતું કે, જો તારી પાસે કોઈ કરંટ બેંક ખાતું હોય તો મને આપ. તેમાં સાયબર ફ્રોડના નાણાં આવશે અને તે રૂપિયા આગળ મોકલવાના બદલામાં ૧૦ ટકા કમિશન મળશે, જેનાથી તારી મકાનની લોન પણ ભરપાઈ થઈ જશે.
આ મોટી રકમના કમિશનની લાલચમાં આવીને રતન ખટીકે પોતાના બિઝનેસ એકાઉન્ટની પૂરેપૂરી કીટ કિશનસિંહને સોંપી દીધી હતી. એટલું જ નહીં, ત્યારબાદ કિશનસિંહ પાંજરોલીયાએ ફોન કરીને બે થી ત્રણ વાર ઓટીપી (OTP) માંગતા તે પણ આપી દીધા હતા. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં બેંક ખાતા સાથે લિંક થયેલો રતન ખટીકનો મોબાઈલ નંબર પણ આરોપી કિશનસિંહે પાંજરોલીયા એ પોતાની પાસે લઈ લીધો હતો.
ત્યારબાદ ગત ૧૩ અને ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન આ બેંક ખાતામાં અચાનક જ ક્યાંકથી ૫૦ થી ૬૦ લાખ રૂપિયા આવી ગયા હતા. જ્યારે રતન ખટીકે આટલી મોટી રકમ બાબતે પૂછપરછ કરી, ત્યારે આરોપી કિશનસિંહ પાંજરોલીયા જણાવ્યું હતું કે આ એ જ રૂપિયા છે જેની અગાઉ વાત થઈ હતી અને કમિશન આવ્યા બાદ તેને તેનો હિસ્સો મળી જશે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને શખ્સોએ ઇન્ટરનેટના માધ્યમથી નિર્દોષ લોકો સાથે થયેલી છેતરપિંડીના નાણાં હોવાનું જાણવા છતાં, પોતાના આર્થિક ફાયદા માટે આખું કાવતરૂં રચ્યું હતું. કમિશન મેળવવાની લાલચે બેંક એકાઉન્ટની કીટ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય સાગરીતો સુધી પહોંચાડીને એકબીજાની મદદગારીથી ચોરીના નાણાં પોતાના ખાતામાં મેળવ્યા અને ત્યાંથી આગળ ટ્રાન્સફર કરી ગુનો આચર્યો હતો. હાલ નર્મદા સાયબર પોલીસે આ બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસનો દોર તેજ કર્યો છે. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.મકવાણા, સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશન નાઓ કરી રહ્યા છે
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
