<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા: સાંસદના નામે નકલી ઈ-મેલ અને લેટરપેડ બનાવી છેતરપિંડી આચરનાર ઠગને દબોચી લેવાયો

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં દરોડા પાડીને પશ્ચિમ બંગાળના મૂળ વતની પ્રદુતકુમાર દે નામના આરોપીની ધરપકડ કરી:પૂછપરછ દરમિયાન આરોપીની મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો .

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે સાંસદ ધવલ પટેલના નામે બનાવટી ઈ-મેલ અને લેટરપેડ બનાવી છેતરપિંડી આચરનાર એક સાયબર ઠગને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે. આ શખ્સે અત્યંત ચતુરાઈથી સાંસદના નામના ખોટા સ્ટેમ્પ અને સહીઓ બનાવીને ગેરકાયદે પ્રવૃત્તિઓ આદરી હતી.

આ સમગ્ર પ્રકરણની ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે આરોપીએ SBIના ચેરમેનને સંબોધીને એક ખોટું ભલામણ પત્ર મોકલ્યું હતું. સાંસદના નામે આ રીતે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. વલસાડ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં દરોડા પાડીને પશ્ચિમ બંગાળના મૂળ વતની પ્રદુતકુમાર દે નામના આરોપીની ધરપકડ કરી છે.પૂછપરછ દરમિયાન આરોપીની મોડસ ઓપરેન્ડીનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

આરોપી માત્ર સાંસદ ધવલ પટેલ જ નહીં, પરંતુ  પુરુષોત્તમ રૂપાલા સહિતના અન્યના પણ બનાવટી લેટરપેડ તૈયાર કરતો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેના સ્પેશિયલ ક્વોટાનો ઉપયોગ કરીને ટિકિટો કન્ફર્મ કરાવવાનો અને અન્ય સરકારી સુવિધાઓ મેળવીને આર્થિક લાભ મેળવવાનો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ અને મોટી સંખ્યામાં બનાવટી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

(11:31 PM IST)