તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
દાહોદના ધાનપુર તાલુકાના રાજકારણમાં મોટો ખળભળાટ :AAPના વિજેતા સભ્યો પંચાયત કચેરીએ નહીં પહોંચતા પંથકમાં ભારે સસ્પેન્સ
'આપ' દ્વારા પોતાના વિજેતા સભ્યોને ગુમ કરવામાં આવ્યા હોવાનો અથવા તેમનું અપહરણ કરીને ગોંધી રખાયા હોવાનો ગંભીર આરોપ :કાર્યકર્તાઓએ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં જ એક મોટો રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. ચૂંટણીના મહત્ત્વના દિવસે જ આમ આદમી પાર્ટી (AAP)ના વિજેતા સભ્યો પંચાયત કચેરીએ ન પહોંચતા સમગ્ર પંથકમાં ભારે સસ્પેન્સ અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને રાજકીય વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે.
આમ આદમી પાર્ટીના સભ્યો પર હુમલો થયા બાદ તેઓ સભાખંડમાં ન પહોંચતા પક્ષના ઉચ્ચ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તાત્કાલિક ધાનપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. 'આપ' દ્વારા પોતાના વિજેતા સભ્યોને ગુમ કરવામાં આવ્યા હોવાનો અથવા તેમનું અપહરણ કરીને ગોંધી રખાયા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
સમગ્ર મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ગુમ થયેલા સભ્યોની ભાળ મેળવવા માટે DYSP અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) સહિતની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમોએ જુદી જુદી દિશામાં શોધખોળ અને તપાસ તેજ કરી દીધી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
ચૂંટણીના દિવસે જ બનેલી આ ઘટનાને કારણે ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. બહુમતી સાબિત કરવાના આ જંગમાં સભ્યોની ગેરહાજરીથી દાહોદ જિલ્લાના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. હવે આગામી કલાકોમાં પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
