તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
રાજ્ય કર વિભાગનો સૌથી મોટો એક્શન પ્લાન: અમદાવાદ સહિત ૧૦ શહેરોમાં GSTના ધામા, 'કાચી ચિઠ્ઠી' પર ચાલતું કરોડોનું કાળું બજાર પકડાયું, ૪૧ સ્થળોએ દરોડાથી વેપારી આલમ ધ્રુજી ઉઠ્યું!
ઉત્તર અને મધ્ય ગુજરાતના ૨૭ મોટા માથાઓને ત્યાં સર્ચ ઓપરેશન; પાન-મસાલા, તમાકુ અને સિગારેટના વેપારમાં આચરાતી ₹૬.૫૪ કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ

અમદાવાદ : ગુજરાતમાં કરચોરો અને પાકા બિલ આપ્યા વિના ગેરકાયદેસર વેપાર કરતા તત્વો સામે રાજ્ય કર વિભાગે (GST) લાલઆંખ કરી છે. જીએસટી વિભાગે એક ગુપ્ત ઓપરેશન હેઠળ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એકસાથે ૪૧ જેટલા વ્યૂહાત્મક સ્થળો પર દરોડા પાડીને કરોડો રૂપિયાની કથિત કરચોરી ઝડપી પાડી છે. આ મેગા દરોડા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના ૧૦ પ્રમુખ શહેરોમાં સત્તાવાર બિલ વિના માત્ર ‘કાચી ચિઠ્ઠી’ના ભરોસે ચાલતા કરોડો રૂપિયાના વેપારનો પર્દાફાશ થતાં જ સમગ્ર વેપારી આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.
મળતી સત્તાવાર વિગતો અનુસાર, જીએસટી વિભાગની આ બહુઆયામી કાર્યવાહીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ૨૭ મોટા વેપારીઓ રડારમાં આવ્યા હતા. તંત્ર દ્વારા એક સુનિયોજિત પ્લાન અંતર્ગત અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળામાં આવેલા વેપારીઓના ઓફિસ, દુકાન અને ગોડાઉન જેવા પરિસરોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી ઇન્વોઇસ (બિલ) આપ્યા વિના જ કેટલાક મોટા વેપારીઓ ગ્રાહકોને છૂટક માલ વેચીને ટેક્સ બચાવતા હોવાની ચોક્કસ બાતમી વિભાગને મળી હતી, જેના આધારે આ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
📄 શું છે આ 'કાચી ચિઠ્ઠી'નું કૌભાંડ?
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ માથાભારે વેપારીઓ સરકારની આંખમાં ધૂળ નાખવા અને પોતાનું કરોડોનું ટેક્સેબલ ટર્નઓવર છુપાવવા માટે સત્તાવાર કમ્પ્યુટરાઈઝ્ડ બિલ બનાવતા જ નહોતા. તેના બદલે તેઓ વ્યવહારોની ચોપડે નોંધ રાખવા માટે એક અનૌપચારિક ‘કાચી ચિઠ્ઠી’ (સ્લિપ) નો ઉપયોગ કરતા હતા. આ કાળો કારોબાર મુખ્યત્વે પાન મસાલા, બીડી, બ્રાન્ડેડ સિગારેટ, સોપારી, તમાકુ, ચૂનો અને રોજિંદા વપરાશની કરિયાણાની પ્રીમિયમ વસ્તુઓમાં આચરવામાં આવતો હતો.
જીએસટીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જ દુકાનો કે ગોડાઉનમાં રૂબરૂ જોવા મળેલા ફિઝિકલ સ્ટોક અને વેપારીઓના સત્તાવાર ચોપડે નોંધાયેલા સ્ટોક વચ્ચે આકાશ-પાતાળનો મોટો તફાવત જોવા મળ્યો હતો. આ તફાવત જ સાબિત કરે છે કે મોટા પાયે બિનહિસાબી અને કાળા બજારમાં માલનું વેચાણ કરવામાં આવતું હતું. આ આખી સિન્ડિકેટમાં ટેક્સ ઇન્વોઇસ ઇશ્યૂ ન કરીને સરકારની તિજોરીને આશરે રૂપિયા ૬.૫૪ કરોડનું મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
હાલમાં રાજ્ય કર વિભાગ દ્વારા આ તમામ ૨૭ કસૂરવાર વેપારીઓ પાસેથી કથિત ટેક્સની બાકી રકમ તેમજ આકરો દંડ વસૂલવા માટેની કાયદેસરની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ માત્ર શરૂઆત છે; અન્ય મોટા બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર (B2C) સેક્ટર્સમાં પણ આ પ્રકારની જીએસટી ચોરી થતી અટકાવવા માટે ઓપરેશન દરમિયાન જપ્ત કરાયેલા ડિજિટલ ડેટા અને ડાયરીઓનું ફોરેન્સિક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેથી આગામી દિવસોમાં વધુ મોટા માથાઓ પર કાયદાનો સિંકોજો કસી શકાય.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
