તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
તાપી જિલ્લામાં બર્ડ ફ્લુનો ભારે ફફડાટ : નવાપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ મરઘાંઓ અને 8 લાખ ઈંડાનો નાશ કરાયો
મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલા પોલ્ટ્રી ફાર્મ સંચાલકોમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ:સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

તાપી જિલ્લાની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂનો કેસ પોઝિટિવ આવતા પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. નવાપુરના એક પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના શંકાસ્પદ મોતના અહેવાલ બાદ લેબોરેટરી ટેસ્ટમાં બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થઈ છે. આ સમાચાર ફેલાતાની સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલા પોલ્ટ્રી ફાર્મ સંચાલકોમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ થતા જ મહારાષ્ટ્ર પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંક્રમિત વિસ્તારમાં રોગચાળો અટકાવવા માટે પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ કામગીરી માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે જે પીપીઈ કિટ પહેરીને સુરક્ષાના તમામ માપદંડો સાથે કામ કરી રહી છે. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોને પણ દેખરેખ હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.
સંક્રમણની સાંકળ તોડવા માટે વહીવટી તંત્રએ અત્યંત મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત નવાપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 2 લાખ મરઘાંઓનો નાશ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, વાયરસના ફેલાવાને રોકવા માટે 8 લાખથી વધુ ઈંડાઓનો પણ સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો છે. આ વિશાળ કામગીરીને કારણે પોલ્ટ્રી ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે, પરંતુ જાહેર આરોગ્યની સુરક્ષાને સર્વોપરી રાખીને આ આકરું પગલું ભરવામાં આવ્યું છે.
નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસ મળતા તાપી જિલ્લાનું વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. ખાસ કરીને નવાપુરને અડીને આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પશુપાલન વિભાગ દ્વારા સઘન ચેકિંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે, ઉચ્છલ પંથકમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એકપણ કેસ નોંધાયો નથી. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે ગુજરાત સરહદે પણ પક્ષીઓની અવરજવર અને પોલ્ટ્રી ઉત્પાદનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
બર્ડ ફ્લૂ એ પક્ષીઓમાંથી મનુષ્યોમાં પણ ફેલાઈ શકે તેવો વાયરસ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવધ રહેવા જણાવાયું છે. પોલ્ટ્રી ફાર્મના માલિકોને તેમના ફાર્મમાં પક્ષીઓના અચાનક મોતના કિસ્સામાં તુરંત જાણ કરવા સૂચના આપવામાં આવી છે. પશુપાલન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્થિતિ હાલ કાબૂમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વાયરસને સીમિત રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને અફવાઓથી દૂર રહેવા અને પૂરતી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
