તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
મેગા સિટીની કડવી વાસ્તવિકતા: ચોમાસાની શરૂઆતમાં જ ગંદકી અને દૂષિત પાણીના દૂષણથી અમદાવાદીઓ ત્રાહિમામ; ત્રણ જ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે ૨.૪૭ લાખથી વધુ ગંભીર ફરિયાદોનો પહાડ ખડકાયો
પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે માત્ર એન્જિનિયરિંગ વિભાગ સામે ૧.૪૭ લાખથી વધુ અરજીઓ નોંધાઈ, અનેક વિસ્તારોમાં કામચલાઉ રિપેરિંગ બાદ વારંવાર ગટરો બેક મારતા નગરજનોમાં મ્યુનિસિપલ તંત્ર સામે ભારે રોષ

અમદાવાદ :સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદ શહેરમાં પાયાની નાગરિક સુવિધાઓની સ્થિતિ અત્યંત દયનીય સ્તરે પહોંચી ગઈ છે. ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ સમગ્ર શહેરમાં ગટર ઊભરાવાની અને પીવાના પાણીમાં દૂષિત તથા દુર્ગંધયુક્ત પાણી ભળવાની સમસ્યાએ રોગચાળાનું ભયાનક જોખમ ઊભું કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતા પ્રી-મોન્સૂન કામગીરી અને જાળવણીના દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે, જેનો ચિતાર તંત્રના પોતાના જ ચોપડે નોંધાયેલી ફરિયાદોના આંકડા પરથી સ્પષ્ટપણે મળી રહ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સિટીઝન રિક્વેસ્ટ સિસ્ટમ (C.C.R.S.) મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવવામાં આવેલા આંકડા અનુસાર, ૧ જૂન ૨૦૨૬થી ૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધીના આશરે બે-અઢી મહિનાના ટૂંકા સમયગાળામાં જ નાગરિકો તરફથી વિવિધ પાયાની મુશ્કેલીઓને લગતી કુલ ૨,૪૭,૧૨૯થી વધુ ફરિયાદો નોંધાવવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં આવેલી ફરિયાદોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી માળખાની નિષ્ફળતા છતી કરી દીધી છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં સૌથી ખરાબ દેખાવ એન્જિનિયરિંગ વિભાગનો રહ્યો છે. નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી અડધાથી પણ વધુ, એટલે કે ૧,૪૭,૬૫૯ જેટલી ફરિયાદો માત્ર ને માત્ર એન્જિનિયરિંગ વિભાગને લગતી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોના વિવિધ વોર્ડમાં ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળવા, ઘરોની અંદર ગટરના ગંદા પાણી બેક મારવા, પીવાના પાણીની લાઈનો સાથે ગટરનું પાણી ભળી જવું તેમજ મુખ્ય પાઈપલાઈનોમાં લીકેજ થવા જેવી ગંભીર સમસ્યાઓથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
તંત્રની અણઘડ કામગીરીનો પુરાવો એ વાત પરથી પણ મળે છે કે, મ્યુનિસિપલ સ્ટાફ દ્વારા કામચલાઉ સફાઈ કે સમારકામ કરીને કાગળ પર ફરિયાદનો નિકાલ બતાવી દેવાતો હતો. જેના કારણે ૩,૦૮૯ જેટલી ફરિયાદોમાં એક વાર સમારકામ કર્યા બાદ પણ ફરીથી એ જ જગ્યાએ ગટર ઊભરાવાની કે પ્રદૂષિત પાણી આવવાની સમસ્યા સર્જાતાં નાગરિકોને ફરીથી ચોપડે રી-ઓપન કે નવી ફરિયાદો નોંધાવવાની ફરજ પડી હતી.
રોગચાળાના ભય હેઠળ જીવી રહેલા શહેરીજનોમાં હાલ પાલિકાના વહીવટ સામે ભારે અસંતોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે સ્માર્ટ સિટીના નામે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ધોરણે ડ્રેનેજ અને શુદ્ધ પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં પણ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
