<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ગાંધીનગર મનપા ચૂંટણી અંગે કોંગ્રેસની રજૂઆત પર ભાજપના પ્રહાર : 'હાર ભાળી ગયેલી કોંગ્રેસ કકળાટ અને બેબુનિયાદ આક્ષેપો કરે છે' : જુઓ વિડીયો

સંવિધાનિક સંસ્થાઓ પર હુમલો કરી દેશ-વિદેશમાં બદનામ કરવાનું કોંગ્રેસનું મોડેલ : પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલની આકરા પ્રહાર સાથે પ્રતિક્રિયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના ડેલિગેશન દ્વારા ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત સામે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, કોંગ્રેસ કકળાટ ન કરે તો એ કોંગ્રેસ ન કહેવાય. કોંગ્રેસે સંવિધાનિક સંસ્થાઓ પર હુમલા કરી દેશ અને વિદેશમાં દેશને બદનામ કરવાનું નક્કી કરી લીધું છે.

ડૉ. અનિલ પટેલે ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ દેશના અનેક રાજ્યોમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજાઈ હતી અને તેના પરિણામો પણ સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે જાહેર થયા છે, છતાંય કોંગ્રેસની પદ્ધતિ માત્ર બેબુનિયાદ આક્ષેપો કરવાની રહી છે. કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગઈ છે તેમજ તેને પોતાના ઉમેદવારો પર પણ ભરોસો રહ્યો નથી, તેથી જ આવા ખોટા આક્ષેપો કરી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ જ બચ્યા નથી એટલે ઉછીના લેવા પડે છે અને પોતાના ઉમેદવારો તથા ટેકેદારોને છુપાવવાની નોબત આવી છે. પોતાની આંતરિક ખામીઓ સ્વીકારીને મજબૂત થવાની જગ્યાએ કોંગ્રેસ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા ભાજપ અને સંવિધાનિક સંસ્થાઓ પર દોષારોપણ કરે છે. પહેલાં EVM, ત્યારબાદ SIR અને હવે ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. દરેક નાગરિકે સંવિધાનિક સંસ્થાઓમાં વિશ્વાસ રાખવો જોઈએ.

(6:57 PM IST)