તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
સુરતના વરાછામાં ભાજપના પ્રચારમાં ભડકો: અલ્પેશ કથીરિયાને પાટીદારોએ સવાલોના સકંજામાં લીધા, "લાઠીઓ અમે ખાધી ને સત્તા તમે ભોગવો છો?"
ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર કરવા ગયેલી ટીમને જનતાએ રોકડું પરખાવ્યું: ખરાબ રસ્તા અને ફી વધારા મુદ્દે ગૃહિણીઓએ ડીજે બંધ કરાવ્યું, વીડિયો ઉતારવા મુદ્દે ભારે ઘર્ષણ

સુરત : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં હવે ગરમાવો આવ્યો છે, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ માટે વરાછાનો ગઢ જાળવવો આ વખતે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. વોર્ડ નંબર-3 માં ભાજપના ઉમેદવાર અને અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલના પ્રચાર માટે નીકળેલી ટીમને આજે સ્થાનિક પાટીદારોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ગ્રીન ઝોન સોસાયટીમાં અલ્પેશ કથીરિયાની હાજરીમાં જ યુવાનો અને મહિલાઓએ સવાલોનો મારો ચલાવતા વાતાવરણ તંગ બની ગયું હતું.
આંદોલનની યાદો તાજી કરાવી યુવાનોએ આડેહાથ લીધા
જેવા અલ્પેશ કથીરિયા સોસાયટીમાં પ્રવેશ્યા કે તરત જ પાટીદાર યુવાનોએ જૂની યાદો તાજી કરાવી હૈયાવરાળ ઠાલવી હતી. યુવાનોએ આક્રોશ સાથે પૂછ્યું કે, "પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસની લાઠીઓ અમે ખાધી છે, આજે જ્યારે અમે અમારા હકના પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે તમે જવાબ આપવાને બદલે ભાગી કેમ જાઓ છો?" સમાજની જે શક્તિના જોરે નેતાઓ સત્તાના શિખરે બેઠા છે, તે શક્તિનો ઉપયોગ જનહિતમાં કેમ નથી થતો તેવા સવાલોએ નેતાઓને નિરુત્તર કરી દીધા હતા.
ગૃહિણીઓએ ડીજે બંધ કરાવી નોંધાવ્યો વિરોધ
પ્રચાર દરમિયાન વગાડવામાં આવી રહેલા મોટા અવાજના ડીજે સામે સોસાયટીની મહિલાઓએ મોરચો માંડ્યો હતો. બિસ્માર રસ્તાઓ અને શેરીઓમાં પડેલા ખાડાઓના મુદ્દે રોષે ભરાયેલી ગૃહિણીઓએ ડીજે બંધ કરાવી દીધું હતું. જ્યારે લોકોએ સવાલોના વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે અલ્પેશ કથીરિયાની ટીમે તેમને અટકાવવા પ્રયાસ કર્યો હતો અને "અમે કોઈના દુશ્મન નથી, વીડિયો બંધ કરો" તેમ કહીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, પરંતુ જનતાનો રોષ ઓછો થયો નહોતો.
પાયાની સુવિધાઓ અને શિક્ષણના મુદ્દે ઘેરાયા
યુવાનોએ માત્ર આંદોલન જ નહીં પણ પાયાની સુવિધાઓ અને શિક્ષણના મુદ્દે પણ ભાજપની ટીમને આડેહાથ લીધી હતી. ખાનગી શાળાઓની બેફામ ફી અને સરકારી શાળાઓની નબળી ગુણવત્તા મુદ્દે નેતાઓએ કરેલા વિકાસના દાવાઓને જનતાએ કાગળ પર ગણાવ્યા હતા. લોકોએ સવાલ કર્યો કે જો સુરતમાં ભાજપનું શાસન છે તો વર્ષોથી સોસાયટીના રસ્તાના કામો કેમ અટકેલા છે?
ચૂંટણી પૂર્વે જ વરાછામાં જે પ્રકારે ભાજપના દિગ્ગજ નેતાઓને જનતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, તે જોતા આગામી દિવસોમાં સુરતનું રાજકારણ વધુ ગરમાય તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
