<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ભાજપા સરકાર ગુનાહિત તત્વોને શોધી-શોધીને જેલમાં ધકેલી કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવી રાખવા કટિબદ્ધ:નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગર્જના

મોરબી જિલ્લાના આમરણ ખાતે ચુંટણીસભા ગજવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતને કોંગ્રેસના કુશાસનમાંથી વિકાસના માર્ગે લાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને જાય છે:હર્ષભાઈ સંઘવી

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મોરબી જિલ્લાના આમરણ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધી હતી. સંબોધનની શરૂઆતમાં તેમણે સ્વ. મગનભાઈ કાસુન્દ્રાના ચરણોમાં વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભારે ગરમી હોવા છતાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આ હાજરી દર્શાવે છે કે ભાજપ અને આ વિસ્તારના નાગરિકો વચ્ચે અતૂટ સંબંધ છે અને આ સંબંધ આવનારા સમયમાં વધુ મજબૂત બનવાનો છે.

  તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ અહીં ફક્ત મત માંગવા માટે આવ્યા નથી, પરંતુ ભાજપ અને ગુજરાતના નાગરિકો વચ્ચે વર્ષોથી બંધાયેલો વિશ્વાસ અને સ્નેહનો અખંડ સંબંધ વધુ ગાઢ કરવા આવ્યા છે. ગુજરાતના નાગરિકોના આશીર્વાદથી ભાજપે પણ રાજ્યના ખૂણે-ખૂણે વિકાસ કર્યો છે. ગુજરાતની જનતા તથા ભાજપા દેશ જ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે.
   હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસના શાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આપણા વડીલોએ કોંગ્રેસનું કુશાસન જોયું છે. કોંગ્રેસના સમયમાં માતા-બહેનોને પાણી માટે કેટલાય કિલોમીટર દૂર જવું પડતું હતું અને સૌરાષ્ટ્રમાં સાંજ પછી બહેન-દિકરીઓને ઘરની બહાર મોકલવી પણ મુશ્કેલ હતી. તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ કોંગ્રેસના સમયના કુશાસનની સાચી માહિતી જાણે અને સમાજ સુધી પહોંચાડે. આજના સમયમાં ગુજરાતમાં માતા-બહેનો નિર્ભયી થઈ અડધી રાત્રે પણ બહાર ફરી શકે છે, અને જો કોઈ લુખ્ખા-ટપોરીઓ બહેન-દિકરીઓને હેરાન કરે તો ગુજરાત પોલીસ તેમનો સબક શિખવાડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપા સરકાર ગુનાહિત તત્વોને શોધી-શોધીને જેલમાં ધકેલી કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવી રાખવા કટિબદ્ધ છે.
    સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાતને કોંગ્રેસના કુશાસનમાંથી વિકાસના માર્ગે લાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને જાય છે. તેમણે જણાવ્યું કે આજે ખેડૂતોના ખાતામાં મોદી સરકાર દર વર્ષે 6 હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મોકલે છે, જ્યારે અગાઉ કોંગ્રેસના સમયમાં ખેડૂતોને આવી સીધી મદદ મળતી નહોતી. આજે ગુજરાત સહિત દેશના દરેક ગામડામાં વિજળી ઉપલબ્ધ થઈ છે.    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબોના પોતાના ઘરના સપનાને સાકાર કર્યા છે. તેમજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે.
  આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્યઓ, જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ તેમજ કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(6:40 PM IST)