<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

દાંતા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે ૩૧ વર્ષ જૂના અભેદ ગઢમાં ગાબડું પાડી સત્તા કબજે કરી

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે સમાન ૧૦-૧૦ બેઠકો હતી : કોંગ્રેસના એક અગ્રણી સભ્ય છેલ્લી ઘડીએ ગેરહાજર રહેતા ભાજપે કબ્જો જમાવ્યો

બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં દાંતા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ૩૧ વર્ષ જૂના અભેદ ગઢમાં ગાબડું પાડીને સત્તા કબજે કરી લીધી છે. ચૂંટણી પૂર્વે કુલ ૨૦ બેઠકો ધરાવતી આ તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે સમાન ૧૦-૧૦ બેઠકો હોવાના કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો અને બંને પક્ષો સત્તા મેળવવા માટે સામસામે કાવાદાવા કરી રહ્યા હતા. જો કે, મતદાનની પ્રક્રિયા શરૂ થતાં જ કોંગ્રેસનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો હતો. કુલ ૨૦ સભ્યોમાંથી માત્ર ૧૯ સભ્યો જ મતદાન માટે હાજર રહ્યા હતા, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના એક અગ્રણી સભ્ય છેલ્લી ઘડીએ ગેરહાજર રહેતા કોંગ્રેસના તમામ સમીકરણો ધ્વસ્ત થઈ ગયા હતા અને પક્ષને મોટો ફટકો પડ્યો હતો.

 

કોંગ્રેસના આ બળવાખોર સભ્યની ગેરહાજરીનો સીધો રાજકીય લાભ ભાજપને મળ્યો હતો, જેના કારણે ભાજપે બહુમતી સાથે સત્તાના શિખરે પહોંચવામાં સફળતા મેળવી છે. આ પરિણામો સાથે જ દાંતા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના પિન્કીબેન અશ્વિનકુમાર ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ભરતકુમાર સ્વરૂપભાઈ રાણા વિજેતા જાહેર થયા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર ભાજપના ઉમેદવારોની જીત થતાં જ સ્થાનિક કાર્યકરોએ વિજયોત્સવ મનાવી ફટાકડા ફોડ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, બરાબરીની ટક્કર હોવા છતાં કોંગ્રેસ પોતાના જ સભ્યને સાચવવામાં અને મનાવવામાં નિષ્ફળ રહી, જેના કારણે ત્રણ દાયકાથી કોંગ્રેસ હસ્તક રહેલી આ તાલુકા પંચાયત પર આજે સત્તા પરિવર્તન થયું છે અને ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે.

 

(2:03 PM IST)