તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે ભાજપ હાઇકમાન્ડે સતિષભાઈ પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો
કોણ છે સતીષભાઈ પટેલ...? : હાઈકમાન્ડે તેમના ઉપર કેમ ઢોળ્યો છે પસંદગીનો કળશ...?? : ૨૦૦૮માં અમલમાં આવેલ આ બેઠક ઉપર ૨૦૧૨ , ૨૦૧૭ , અને ૨૦૨૨ ત્રણેય ચૂંટણીઓમાં યોગેશભાઈ પટેલ (કાકા ) એ જીત મેળવી આ બેઠકને બનાવ્યો છે ભાજપનો ગઢ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (કાકા)ના દુઃખદ નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ભાજપ હાઈકમાન્ડે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
ભાજપે વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ના પૂર્વ અધ્યક્ષ શ્રી સતીશ પટેલ (છાણી) પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, સંગઠન અને વહીવટી મોરચે લાંબો અનુભવ ધરાવતા સતીશ પટેલનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે , યોગેશ કાકા ની ગઢ ગણાતી આ મહત્વ ની બેઠક પર ભાજપ ના આ નિર્ણય સાથે જ માંજલપુરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
માંજલપુર વિધાનસભા બેઠકના ભવ્ય ઇતિહાસ ને જોઈએ તો....માંજલપુર વિધાનસભા બેઠક ની રચના વર્ષ ૨૦૦૮ માં ભારત ના પરિસીમન (Delimitation) બાદ કરવામાં આવી હતી, તે પહેલાં આ વિસ્તાર અન્ય વિધાનસભા બેઠકોમાં સમાવિષ્ટ હતો, આ બેઠક નો વિધાનસભા ક્રમાંક ૧૪૫ છે, બેઠક વડોદરા જિલ્લા ના અંતર્ગત આવે છે અને વડોદરા લોકસભા બેઠકનો ભાગ છે, આ બેઠક સામાન્ય બેઠક છે, એટલે કે અનામત બેઠક નથી.
માંજલપુર બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના માંજલપુર, તરસાલી, કપુરાઈ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, સમયાંતરે વોર્ડની સીમાઓમાં નાના ફેરફારો થયા છે, પરંતુ બેઠકનો મુખ્ય વિસ્તાર શહેરી રહ્યો છે, આ બેઠક ના ચૂંટણી ના ઇતિહાસ વિશે સમજીએ તો વર્ષ ૨૦૧૨ માં નવી રચાયેલી બેઠક પર ૫્રથમ વખત ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના યોગેશભાઈ પટેલને કુલ ૯૨૬૪૨ મત મળ્યા હતા, જેની સામે કૉંગ્રેસના ચિન્નમ ગાંધી ને માત્ર ૪૦૮૫૭ મત જ મળતા યોગેશ ભાઈ (કાકા) ૫૧૭૮૫ મતો થી વિજેતા બન્યા હતા.
ત્યાર બાદ વર્ષ ૨૦૧૭ ની ચૂંટણીમાં યોગેશભાઈ પટેલ ને ૧,૦૫,૦૩૬ મત મળ્યા હતા જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ ઝવેરી ને ૪૮૬૭૪ મત મળતા યોગેશભાઈને ૫૬૩૬૨ મત જી જીત મળી હતી અને સતત બીજી વખત ભાજપ માટે જીત નોંધાવી, જેને પગલે આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ વધતું ગયું.
આગળ વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી આવી બીજેપી તરફ થી યોગેશ ભાઈ જ હોય સામે કોંગ્રેસ નવા નવા ઉમેદવારના અખતરા કરતું રહ્યું, આ વેળા એ કોંગ્રેસે ડૉ. તસ્વીન સિંહ ને મેદાનમાં ઉતાર્યા પરીણામ જાહેર થયું જેમાં યોગેશભાઈ પટેલ ને ૧,૨૦,૧૩૩ જંગી મત મળ્યા જેની સામે કૉંગ્રેસના ઉમેદવાર તસ્વીન સિંહ ને માત્ર ૧૯,૩૭૯ મત મળતા યોગેશ ભાઈ નો ૧,૦૦,૭૫૪ મત થી વિજય થયો હતો આ સાથે યોગેશ સતત ત્રીજી વખત માંજલપુર બેઠક પરથી વિજેતા બન્યા, તેઓ ગુજરાતના સૌથી વરિષ્ઠ ભાજપ ધારાસભ્યોમાંના એક હતા.
યોગેશભાઈ પટેલ (કાકા) નું યોગદાન અનેરું રહ્યું હતું, તેઓ પોતાના સમગ્ર રાજકીય જીવનમાં કુલ આઠ વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા, માંજલપુર બેઠકની રચના બાદ ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨ એમ ત્રણેય ચૂંટણી માં ભાજપને સતત જીત અપાવી , હતી વિકાસલક્ષી કામો, સરળ સ્વભાવ અને જનસંપર્ક ને કારણે તેઓ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતા. યોગેશભાઈ પટેલ ના દુઃખદ અવસાન બાદ બેઠક ખાલી પડી, જેને લઇને ભારતના ચૂંટણી પંચે આગામી તા.૩૦ મી જુલાઈ ૨૦૨૬ ના રોજ પેટાચૂંટણી જાહેર કરી અને ૩ ઑગસ્ટ ૨૦૨૬ના રોજ મતગણતરી નક્કી કરી.
ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સતીશ પટેલ (છાણી)ને જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ માંજલપુરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. માંજલપુર બેઠક ને છેલ્લા ઘણા વર્ષો થી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે , ખાસ કરીને યોગેશભાઈ પટેલ ના નેતળત્વ હેઠળ આ બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠકોમાંની એક બની હતી, પરંતુ હવે તેમના અવસાન બાદ પહેલી વખત આ બેઠક પર તેમની ગેરહાજરી માં પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે સમગ્ર ગુજરાતનું રાજકીય ધ્યાન આ બેઠક પર કેન્દ્રિત થયું છે.
ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય કે કોણ છે આ સતિષ ભાઈ ( છાણી )...? અને શા માટે હાઈ કમાન્ડે તેમના ઉપર પસંદગી નો કળશ ઢોળ્યો...?? સતીશભાઈ પટેલ, લોકપ્રિય રીતે સતીશ પટેલ (છાણી)તરીકે ઓળખાય છે, વડોદરા જિલ્લા ના ભાજપના અનુભવી સંગઠનકાર અને સહકારી ક્ષેત્રના આગેવાન નેતા છે, તેઓ લાંબા સમય થી ભાજપ સાથે જોડાયેલા છે અને સંગઠન, સ્થાનિક સ્વરાજ્ય તેમજ સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારી ઓ નિભાવી ચૂકયા છે.
તેમણે ભાજપના સામાન્ય કાર્યકર તરીકે જાહેર જીવનની શરૂઆત કરી, છાણી અને વડોદરા વિસ્તારમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવા સતત કાર્ય કર્યું, બૂથ થી લઈને જિલ્લા સ્તર સુધી વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી.
આ ઉપરાંત સતીષભાઈએ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી , શહેર ના વિકાસ, રસ્તા, પાણી, ગટર, સફાઈ અને નાગરિક સુવિધાઓ સંબંધિત અનેક વહીવટી નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવી ત્યારબાદ તેમને વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી, તેમના કાર્યકાળ દરમિયાન પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં અને કાર્યકરોને એકજૂટ રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું.
સતીશ ભાઈ પટેલ ની બરોડા ડેરીમાં પણ ભૂમિકા રહી છે, વર્ષ ૨૦૨૩ માં તેઓ બરોડા ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા, તેમણે સહકારી દૂધ ઉત્પાદકોના હિત માટે સતત કામગીરી કરી , બાદમાં ભાજપની ‘‘વન મેન - વન પોસ્ટ'' નીતિ અનુસાર ચેરમેન પદેથી રાજીનામું આપ્યું.
વરિષ્ઠ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (કાકા) ના અવસાન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક માટે ભાજપે સતીશભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે, પક્ષે તેમના લાંબા સંગઠન અનુભવ, વહીવટી ક્ષમતા અને સ્થાનિક પ્રભાવને ધ્યાનમાં રાખીને આ પસંદગી કરી.
સતીષભાઈની મુખ્ય વિશેષતા ઓ જોઈએ તો તેઓ ભાજપ ના અનુભવી અને શિસ્તબદ્ધ સંગઠનકાર, કાર્યકરો સાથે સતત સંપર્ક અને સરળ સ્વભાવ , સ્થાનિક સ્વરાજ્ય અને સહકારી ક્ષેત્રનો લાંબો અનુભવ, ધરાવે છે, નિર્ણાયક અને વહીવટી ક્ષમતા ધરાવતા નેતા ગણાય છે, માંજલપુર બેઠક લાંબા સમય થી ભાજપ નો મજબૂત ગઢ માનવામાં આવે છે , યોગેશભાઈ પટેલ (કાકા) પછી આ બેઠક પર પક્ષે સતીશભાઈ પટેલ પર વિશ્વાસ મૂકયો છે , આ નિર્ણય થી તેઓ હવે રાજ્ય સ્તર ના અગત્ય ના ભાજપ નેતાઓ માં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી રાજકીય ચર્ચા ચાલી રહી છે
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
