<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ : પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

સરદારધામ ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંત્રી મનીષાબેન વકીલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા : કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી સૂચનો અપાયા

વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.

કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ અને સૂચનો

પ્રદેશ અધ્યક્ષે કાર્યક્રમ સ્થળે જઈને સુવ્યવસ્થિત અને સુચારૂ આયોજન માટે કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને પક્ષના હોદ્દેદારો સાથે ચર્ચા કરી, કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. ખાસ કરીને જનમેદનીના આગમન અને વ્યવસ્થા અંગે તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

સરદારધામ ખાતે સમીક્ષા બેઠક

સ્થળ નિરીક્ષણ બાદ જગદીશભાઈ વિશ્વકર્માએ સરદારધામ ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી મનીષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજયભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફીયા, વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટજી તથા શહેર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

બેઠક દરમિયાન સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા તેમજ સરદારધામના અન્ય અગ્રણીઓ સાથે પણ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત અને કાર્યક્રમને યાદગાર બનાવવા માટે ભાજપના તમામ હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ એકજૂથ થઈને તૈયારીઓમાં લાગી ગયા છે.

(8:20 PM IST)