<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

દિયોદરમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પ્રચાર દરમિયાન દંડવત થયા, 'મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો' કહી મતદારો પાસે માંગી માફી

મોજરુ ગામે જિલ્લા-તાલુકા પંચાયતના પ્રચારમાં ભાવુક બન્યા થરાદના MLA, દંડવત પ્રણામ કરી મતદારોનું દિલ જીતવાનો પ્રયાસ; ચૂંટણી સ્ટંટ કે સાચી નમ્રતા?

દિયોદર, તા.16 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન દિયોદર તાલુકામાં એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં થરાદના ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારો સમક્ષ દંડવત પ્રણામ કરતાં જોવા મળ્યા. બનાસકાંઠાના દિયોદર તાલુકાના મોજરુ ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો માટે પ્રચાર કરવા પહોંચેલા ધારાસભ્ય સભામાં સંબોધન દરમિયાન અત્યંત ભાવુક બન્યા હતા.

 

મતદારો સમક્ષ નમ્રતા દર્શાવતા કેશાજી ચૌહાણે મંચ પર જ દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે, “મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.” તેમણે ભાજપ અને પોતાની ભૂલની માફી માંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સામાન્ય રીતે નેતાઓ મત માગવા માટે સભાઓ, ભાષણો અને જનસંપર્કનો સહારો લેતા હોય છે, પરંતુ આ ઘટનાએ રાજકીય ક્ષેત્રમાં એક અલગ જ સંદેશ આપ્યો છે.

 

કેશાજી ચૌહાણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી જીતવા માટે માત્ર પ્રચાર પૂરતો નથી, પરંતુ મજબૂત સંગઠન અને મતદારોનો વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે. એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે.

 

રાજકીય વિશ્લેષકો માને છે કે ચૂંટણી દરમિયાન આવી નમ્રતા દર્શાવવી એ રાજકારણમાં બદલાતી પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ છે. કેટલાક લોકો આને જનતા પ્રત્યેનો સાચો આદર માને છે તો કેટલાક તેને માત્ર ચૂંટણી માટેનો એક રાજકીય સ્ટંટ તરીકે પણ જોવે છે. દંડવત પ્રણામ જેવી ક્રિયા દ્વારા મતદારો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

આ ઘટના એ પણ દર્શાવે છે કે મતદારોની શક્તિ કેટલી મહત્વપૂર્ણ છે અને નેતાઓ તેમને પ્રભાવિત કરવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. હાલમાં તો દિયોદરની આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

(4:49 PM IST)