<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

૨૦૦૦ જેટલા પદાધિકારીઓ પસંદ કરવા કાલથી ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડ બેઠક

મેરી તકદીર કો બદલ દેંગે મેરે બુલંદ ઇરાદે,મેરી કિસ્‍મત નહી મોહતાજ મેરે હાથો કી લકીરો સે

 

રાજકોટ તા.૪: ગુજરાતમાં તાલુકા- જિલ્લા પંચાયતો તથા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પુરી થઇ છે. હવે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં મુખ્‍ય પદાધિકારીઓની ચૂંટણી માટેનો સમય નજીક આવી રહયો છે. પદાધિકારીઓની ચુંટણી તા.૮ થી ૧૬ વચ્‍ચે થાય તેવા સંજોગો છે. મોટાભાગની પાલિકા- પંચાયતોમાં ભાજપને બહુમતી મળી છે. ત્‍યાં મુખ્‍ય શાસકો પસંદ થશે તથા જયાં બહુમતી નથી મળી તે સંસ્‍થાઓમાં વિપક્ષી નેતા અને ઉપનેતાની પસંદગી થશે. રાજયમાં ભાજપ દ્વારા ૨૦૦૦ જેટલા પદાધિકારીઓ પસંદ કરવા કાલથી ૩ દિવસ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠકો ગાંધીનગર પ્રદેશ કાર્યાલયમાં મળશે.

પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્‍યક્ષ, પક્ષના નેતા અને દંડકની પસંદગી થશે. મહાનગરોમાં મેયર, ડે-મેયર, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન તથા નેતા અને દંડક પસંદ કરવાના થાય છે. રાજયના તમામ ૧૫ મહાનગરોમાં ચુંટણી થતા ૧૫ મેયરોની પસંદગી કરવાની થશે. ઉપરાંત મોટાભાગની તાલુકા-જિલ્લા પંચાયતોમાં તથા નગરોમાં ભાજપે પદાધિકારીઓ પસંદ કરવાના થશે. નવા પદાધિકારીઓ પસંદ કરવાના છે તે આંકડો ૧૯૬૦ થી ૨૦૦૦ ની વચ્‍ચે થાય છે.

પાર્લામેન્‍ટરી બોર્ડમાં ૩ દિવસ અલગ-અલગ સમયે અલગ-અલગ મહાનગરો અને જિલ્લાઓના પદાધિકારીઓને બોલાવવામાં આવશે. નિરીક્ષકો મોકલી સેન્‍સ લેવાઇ ગઇ છે. નિરીક્ષકો અને સ્‍થાનિક અગ્રણીઓને પાર્લામેન્‍ટરી બોર્ડના સભ્‍યો સાંભળશે. આટલી પ્રક્રિયા પુરી થયા બાદ પાર્લામેન્‍ટરી બોર્ડ પસંદગી અંગેનો આખરી નિર્ણય કરશે. જરૂર પડયે પાર્લામેન્‍ટરી બોર્ડ એકાદ દિવસ લંબાવાશે. પદાધિકારીઓની પસંદગીમાં રોટેશન, જ્ઞાતિ, ભુગોળ, વ્‍યકિતગત ક્ષમતા, પાર્ટી સાથેનો નાતો વગેરે મુદાઓ ધ્‍યાને લેવામાં આવશે.

(4:09 PM IST)