તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો વ્યારા વિધાનસભાનો વ્યાપક પ્રવાસ યોજાયો : 'વન ડે, વન અસેમ્બલી'ના સંકલ્પ અંતર્ગત ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરના જીર્ણોદ્ધારનું કર્યું ભવ્ય ભૂમિપૂજન
પ્રાકૃતિક કૃષિ સંવાદમાં ધરતીપુત્રો સાથે વાર્તાલાપ કરી કુદરતી ખેતી અપનાવવા અનુરોધ : કાર્યકર્તાઓને સંગઠનની કરોડરજ્જુ ગણાવી જનકલ્યાણકારી યોજનાઓ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા જનપ્રતિનિધિઓને કરાયું આહ્વાન

વ્યારા, શનિવાર:ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ‘વન ડે, વન અસેમ્બલી’ના સંકલ્પ અંતર્ગત તાપી જિલ્લામાં સમાવિષ્ટ વ્યારા વિધાનસભાનો વ્યાપક પ્રવાસ કર્યો હતો. આ સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભગવાન વિશ્વકર્મા દાદાના ભવ્ય મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતું. આ મંગલ પ્રસંગે તેમણે ભગવાન વિશ્વકર્મા દાદાના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી.
વૃક્ષારોપણ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ:
ભૂમિપૂજન બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિત જીવનશૈલીનો મજબૂત સંદેશ આપ્યો હતો. ત્યારબાદ વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષે ઉપસ્થિત ધરતીપુત્રો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીને પર્યાવરણમૈત્રી, જમીનની ઉર્વરતા જાળવી રાખતી તેમજ માનવ આરોગ્ય માટે અત્યંત લાભદાયી ખેતપદ્ધતિ ગણાવી તેના વ્યાપક સ્વીકાર પર ભાર મૂક્યો હતો અને કુદરતી ખેતી અપનાવી રહેલા ખેડૂત મિત્રોના સરાહનીય પ્રયાસોને મુક્ત કંઠે બિરદાવ્યા હતા.
કાર્યકર્તા સંગઠનની કરોડરજ્જુ: બૂથ સંવાદ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક:
વ્યારાના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે આયોજિત બૂથ સંવાદ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર વિધાનસભા વિસ્તારના તમામ બૂથોના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કાર્યકર્તા ભાજપા સંગઠનની કરોડરજ્જુ અને પક્ષની સૌથી મોટી તાકાત છે. તેમણે કાર્યકર્તાઓના અનુભવો સાંભળ્યા હતા તેમજ સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા માટે વિવિધ વિષયો પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષે ભાજપાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે સંવાદ યોજીને જનહિતલક્ષી કાર્યો અને સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાની જરૂરિયાતને કેન્દ્રસ્થાને રાખીને વધુ સમર્પણભાવથી કાર્ય કરવા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વાસ્તવિક લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા આહ્વાન કર્યું હતું.
સંયુક્ત મોરચા અને બૃહદ્ સંકલન બેઠકોમાં સંગઠનાત્મક માર્ગદર્શન:
આ વ્યાપક પ્રવાસ દરમિયાન આયોજિત મોરચા સંયુક્ત બેઠકમાં જગદીશભાઈ વિશ્વકર્માએ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સમીક્ષા કરી હતી. તેમણે સંગઠનની શક્તિને વધુ સશક્ત અને ધારદાર બનાવવા માટે પરસ્પર સમન્વય, સક્રિય કાર્યપદ્ધતિ અને જનસંપર્કને વધુ વેગવાન બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સેવાભાવ અને સમર્પણની ભાવના સાથે સંગઠનના વિવિધ કાર્યક્રમોને વધુ અસરકારક રીતે જનજન સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને પ્રેરિત કર્યા હતા.
પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથેના સંવાદમાં પ્રદેશ અધ્યક્ષે સંગઠનને આ ઊંચાઈ પર પહોંચાડવામાં તેમના અમૂલ્ય અને દીર્ઘકાલીન યોગદાનની પ્રશંસા કરી હતી. વરિષ્ઠોના અનુભવો અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળીને સંગઠનને વધુ મજબૂત બનાવવા સૌના સમન્વય, માર્ગદર્શન અને સક્રિય સહભાગિતા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ તાપી જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે આયોજિત બૃહદ્ સંકલન બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે સંગઠનના વિવિધ પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે વિસ્તૃત પરામર્શ કર્યો હતો. તેમણે સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવા, આગામી કાર્યક્રમોની આયોજનબદ્ધ કામગીરી સુનિશ્ચિત કરવા તથા પરસ્પર સંકલનને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો.
લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા સાથે આત્મીય સંવાદ:
પ્રવાસના અંતિમ ચરણમાં જગદીશભાઈ વિશ્વકર્માએ વ્યારા ખાતે મીડિયાના મિત્રો સાથે એક આત્મીય મુલાકાત કરી હતી. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સમાજ સુધી સચોટ સમાચાર અને માહિતી પહોંચાડવામાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરતાં તેમણે ખુલ્લા મનથી પરસ્પર સંવાદ કર્યો હતો. આ દરમિયાન મીડિયાના પ્રતિનિધિઓ પાસેથી પક્ષ અને સરકારની કામગીરી અંગેના વિવિધ સકારાત્મક સૂચનો પ્રાપ્ત કરી, સમાજજીવન અને જાહેર હિતના વિવિધ વિષયો પર ગંભીર વિચાર-વિમર્શ કર્યો હતો.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
