<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

મતદારો-કાર્યકરોની નારાજગી ઠારવામાં ન આવે તો ભાજપને તકલીફ

જુદા જુદા વોર્ડમાંથી લોકોના રોષ અંગે પ્રદેશ નેતાગીરીને જાણ કરાઇ : ક્‍યાંક બેઠક ગુમાવવાનો અને નજીવી લીડથી માંડ માંડ વિજય પ્રાપ્ત થાય તેવી સંભાવના

અમદાવાદ,તા.૨૧: અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં ભારે ગરમીમાં પણ ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ કેટલાક વોર્ડમાં મતદારો અને કાર્યકરોની નારાજગી જોતાં ક્‍યાંક બેઠક ગુમાવવાનો અને નજીવી લીડથી માંડ માંડ વિજય પ્રાપ્ત થાય તેવી સંભાવના વ્‍યક્‍ત થઇ રહી છે.

ભાજપનાં જ સૂત્રોનાં જણાવ્‍યા અનુસાર, શહેરનાં અનેક વોર્ડ વિસ્‍તારમાં જુદા જુદા પ્રકારનાં પ્રશ્નો છે અને તેના ઉકેલ માટે જે તે વોર્ડનાં ભાજપનાં કોર્પોરેટરો એટલા કાર્યક્ષમ રહ્યા નહોતા. બીજી બાજુ ભાજપનાં જુના અને અનુભવી તેમજ હોદ્દા ઉપર હોય તેવા કોર્પોરેટરોએ જ તેમનાં વિસ્‍તારોમાં વિવિધ પ્રકારનાં કામો કરાવી લીધા છે. તેથી તેમનાં વિસ્‍તારોનાં મતદારોમાં લગભગ કોઇ પ્રકારની નારાજગી જોવા મળતી નથી.

જે વોર્ડ વિસ્‍તારોમાં પાયાનાં પ્રશ્નો જેવા કે પાણી, ગટર, રોડ ઉપરાંત ખાસ કરીને કોર્પોરેટરોની પાંચ વર્ષ દરમિયાન નોંધપાત્ર ગેરહાજરી પણ મતદારોએ નોંધી છે અને હવે ચૂંટણી પ્રચારમાં આવતાં ઉમેદવારોને તેનો સામનો કરવો પડી રહ્યો છે.

એટલુ જ નહિ કેટલાય વોર્ડમાં ભાજપનાં જુના કોર્પોરેટરોને પડતા મુકી નવા ચહેરાઓને પસંદ કરવા સામે પણ કાર્યકરોમાં વ્‍યાપક નારાજગી જોવા મળી રહી છે અને કાર્યકરો વોર્ડનાં ચૂંટણી કાર્યાલયોમાં તેમજ પ્રચારમાં દેખાડાની હાજરી આપી તેમની નારાજગી દર્શાવી રહ્યાં છે. સંગઠનનાં હોદ્દેદારો પણ જે રીતે ઉમેદવાર પસંદગી કરવામાં આવી તેનાથી નારાજ થયેલાં છે. વોર્ડ કાર્યાલયોમાં ફક્‍ત હાજરી પુરાવવા આવતાં જુના કોર્પોરેટરો અને કાર્યકરો અંદરોઅંદર તો શહેર અને પ્રદેશ નેતાગીરી સામે રોષ ઠાલવતાં હોવાનુ જણાયું છે.

ચોક્કસ વોર્ડ વિસ્‍તારમાં મતદારો અને કાર્યકરોની નારાજગીનાં કારણે મતદાન ઉપર અસર થવાની તેમજ ઉમેદવારો સાવ નજીવી લીડથી વિજયી બને કે માંડ માંડ જીતે તેવી શક્‍યતા વધતી જતી હોવાથી પક્ષને વફાદાર કાર્યકરોએ ઉપર સુધી તેની જાણકારી પહોંચાડી દીધી છે, તેના પગલે જ શહેર અને પ્રદેશ નેતાગીરીએ વોર્ડ વિસ્‍તારોમાં ગ્રૃપ મિટીંગો તેમજ પ્રચારમાં હાજરી આપવાની શરૂઆત કરી દીધી છે. મુખ્‍યમંત્રી સહિતનાં મંત્રીઓ પણ જુદા જુદા વોર્ડ વિસ્‍તારમાં નાની સભાઓ કરી રહ્યાં છે. એકંદરે જે રીતે ગરમી અને નારાજગીનુ વાતાવરણ ફેલાયુ છે તેમ છતાં ભાજપનો એક ચોક્કસ વર્ગ એવુ માને છે કે, ભાજપનો કોઇ વિકલ્‍પ જ નથી અને મતદારો નારાજગી છતી કરતાં હોવા છતાં મતદાનનાં દિવસે તો ભાજપને જ મત આપવાનાં છે.

(1:36 PM IST)