<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ભાજપ નવો ઇતિહાસ સર્જશે : રરમીએ એક જ દિ'માં એક જ સમયે ૧૮ર સ્‍નેહ મિલન

દિવાળીની રોશની પછી ચૂંટણીલક્ષી રાજકીય આતશબાજી : ર૦ર૭ ની ચૂંટણી જીતવા કાર્યક્રમોની હારમાળા સર્જશે પ્રદેશ પ્રભારી પ્રમુખ, મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી તમામ ધારાસભા મતક્ષેત્રના કાર્યકરોને વિડીયો કોન્‍ફરન્‍સથી સંબોધશે : તા. ૧૬ મીએ ગાંધીનગર કમલમમાં સ્‍નેહ મિલન

રાજકોટ, તા. ૩ :  ગુજરાતમાં ભાજપ દિવાળી પછી નવો ઇતિહાસ સર્જવા આગળ વધી રહ્યો છે. દર વર્ષે નૂતન વર્ષના સ્‍નેહમિલન થતા હોય છે પરંતુ આ વખતે તા. રર નવેમ્‍બર રવિવાર એક સાથે એક જ સમયે ૧૮ર વિધાનસભા મત વિસ્‍તારોમાં સ્‍નેહ મિલન સમેલન થશે જેને સરકાર અને સંગઠનના ટોચના નેતાઓ વિડીયો કોન્‍ફોરન્‍સ સંબોધન કરશે. તે પૂર્વે તા.૧૬મી એ બપોર પછી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના આગેવાનોની હાજરીમાં રાજય કક્ષાનું સ્‍નેહમિલન યોજાશે જેમાં કોઇપણ કાર્યક્રર નેતાઓને મળીને શુભેચ્‍છાની આપ-લે કરી શકશે.

ભાજપના વર્તુળોના જણાવ્‍યા મુજબ  તા. રર નવેમ્‍બરે ૧૮ર વિધાનસભા  મત વિસ્‍તારમાં બપોરે ૩ થી ૭ વચ્‍ચે એક સાથે સ્‍નેહમિલન યોજાશે. જેમાં સ્‍થાનિક વર્કતાઓ ઉપરાંત પ્રદેશ કક્ષાએથી પ્રભારી શ્રી તરૂણ ચુઘ, પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવી વીડીયો કોન્‍ફરન્‍સથી સંબોધન કરશે. તમામ ૧૮ર વિધાનસભા સ્‍નેહ મિલનના સ્‍થળે વીડીયો કોન્‍ફરન્‍સથી જોડાઇ શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે. દિવાળી પછીનો નવા વર્ષનો ભાજપનો આટલો મોટો પ્રથમ કાર્યક્રમ હશે. એક સાથે એક સમયે ૧૮ર સ્‍નેહ મિલન થાય અને તેને ટોચના નેતાઓ એક જ સ્‍થળેથી સંબોધન કરે તેવુ ભાજપમાં પ્રથમ વખતે બનશે.

એક વર્ષ પછી રાજય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ દ્વારા સતત વિવિધ કાર્યક્રમો ચાલતા રહે છે. દિવાળી પછી ચૂંટણીને ધ્‍યાને રાખીને કાર્યક્રમોની હારમાળા સર્જાશે. સ્‍નેહ મિલન સંમેલનમાં પ્રદેશના નેતાઓ સંગઠનની મજબુતાઇ વધારવા સાથે ર૦ર૭ ની ચૂંટણી જીતવાનો મંત્ર આપશે.

(3:34 PM IST)