<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

આણંદ જિલ્લામાં ૧૦ ટકા જેટલી બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય એ વિપક્ષ પાસે ઉમેદવારોની અછત અને ભાજપા પ્રત્યે લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક: હર્ષભાઈ સંઘવી

કોંગ્રેસના પ્રદેશ સ્તરના નેતાઓના ગઢમાં કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડવા ઉમેદવાર તૈયાર નથી,તે જ બતાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે :આણંદ જિલ્લાના સામરખા અને આંકલાવ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આણંદ જિલ્લાના સામરખા અને આંકલાવ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, આણંદ જિલ્લામાં ૧૦ ટકા જેટલી બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય એ વિપક્ષ પાસે ઉમેદવારોની અછત અને ભાજપા પ્રત્યે લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. કોંગ્રેસની આંતરિક સ્થિતિ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, જેમના પક્ષના પ્રદેશ સ્તરના નેતાઓના પોતાના ગઢમાં કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડવા ઉમેદવાર તૈયાર નથી, તે જ બતાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે.
આ તકે તેમણે મતવિસ્તારના દિવંગત લોકનેતા અને ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, જેમણે આ વિસ્તારની જનતા માટે જીવનના અનેક વર્ષો લોકસેવામાં માટે આપ્યા છે, તેવા નેતાની આજે ખોટ છે. તેમના અધૂરા સપનાઓને પૂર્ણ કરવા અને જનતાની સમસ્યાઓને વાચા આપવા માટે પાર્ટીએ હર્ષદભાઈ પરમારને જવાબદારી સોંપી છે, જેમને પ્રચંડ મતોથી વિજયી બનાવવા તેમણે આહ્વાન કર્યું હતું.સંઘવીએ ભાજપા સરકાર દ્વારા વીજળી, પાણી, રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં છેલ્લા વર્ષોમાં થયેલ કામગીરી અને જાણકારી આપી હતી.
ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપતા સંઘવીએ કહ્યું કે, અમુક તત્વો પાસે ગુજરાતને બદનામ કરવા સિવાય કોઈ કામ નથી. ગુજરાતની જાગૃત જનતા ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા લોકોનો ચૂંટણીમાં સફાયો કરશે. ખેડૂતોના હિત અને યુવાનોના ભવિષ્ય માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપાના મંત્રી નિરવભાઇ અમીન, રાજ્ય સરકારના પુર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ મીતેષભાઇ પટેલ, પ્રભારી વર્ષાબેન દોષી, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઇ પટેલ, વિધાનસભા પેટા ચુંટણીના ઉમેદવાર હર્ષદસિંહ પરમાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપા ઉમેદવારો સહિત જિલ્લાના ભાજપાના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(10:09 PM IST)