<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

વડગામ તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો : કોંગ્રેસના એક સભ્યની ગેરહાજરીએ બદલ્યા રાજકીય સમીકરણ

અપક્ષ સભ્યના સમર્થન સાથે ભાજપે બહુમત મેળવ્યું અને સત્તા પર કબજો જમાવ્યો: છેલ્લી ઘડીએ આવેલા આ પલટાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો

બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પાસે 14 બેઠકો અને ભાજપ પાસે 13 બેઠકો હોવા છતાં એક અપક્ષ સભ્ય આખી ચૂંટણીનો “કિંગ મેકર” બન્યો હતો. આખા જિલ્લામાં આ ચૂંટણી પર સૌની નજર ટકેલી હતી કારણ કે વડગામને કોંગ્રેસ અને જીગ્નેશ મેવાણીના ગઢ તરીકે જોવામાં આવે છે.

 

પ્રમુખ પદ માટે ભાજપ તરફથી મગરવાડા બેઠકની અનુબેન ઉપલાણાએ ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસે ચંગવાડા બેઠકની રમીલાબેન વાળાગાંઠને મેદાનમાં ઉતાર્યા હતા. બંને પક્ષોના સભ્યો તાલુકા પંચાયત કચેરીએ પહોંચતા રાજકીય ચહલપહલ તેજ બની ગઈ હતી.

 

ચૂંટણીમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા અપક્ષ સભ્યની બની હતી. બંને પક્ષો અપક્ષના સમર્થન માટે સક્રિય બન્યા હતા. શરૂઆતમાં કોંગ્રેસનું પલડું ભારે માનવામાં આવતું હતું, પરંતુ અંતિમ ક્ષણે થયેલા રાજકીય ફેરફારો બાદ સમગ્ર સમીકરણ બદલાઈ ગયું.

 

ચૂંટણી દરમિયાન કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપને મોટી રાજકીય તક મળી ગઈ. અપક્ષ સભ્યના સમર્થન સાથે ભાજપે બહુમત મેળવ્યું અને સત્તા પર કબજો જમાવ્યો. છેલ્લી ઘડીએ આવેલા આ પલટાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

 

આખરે ભાજપની અનુબેન ઉપલાણા વડગામ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. કોંગ્રેસના ગઢમાં ભાજપે સત્તા કબજે કરતા જિલ્લા રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. જીગ્નેશ મેવાણીના પ્રભાવ વિસ્તારમાં ભાજપની આ જીતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

(2:02 PM IST)