News of Thursday, 8th October 2026
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપનું 'સંકલ્પ પત્ર' જાહેર : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસના વિઝનની ઘોષણા
સ્માર્ટ રોડ, AI લેબ્સ, ડેટા સેન્ટર, ડબલ ડેકર એસી બસ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત 'આદર્શ ગાંધીનગર' બનાવવાનો રોડમેપ રજૂ કરાયો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના વિઝન સાથેનું 'સંકલ્પ પત્ર' ગાંધીનગર ખાતે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ સંકલ્પ પત્રની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં આગામી 5 વર્ષમાં ગાંધીનગરને વધુ સુંદર, સ્માર્ટ, સ્વચ્છ અને આત્મનિર્ભર શહેર બનાવવા માટેનું આયોજન રજૂ કરાયું છે.
આ સંકલ્પ પત્રમાં 'સ્માર્ટ અને સુગમ ગાંધીનગર' અંતર્ગત એઆઈ (AI) આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ, ચ-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા, રોડ નં-2 અને 3 તથા ઘ-7થી પેથાપુર માર્ગને સ્માર્ટ રોડ બનાવવા અને ખ-2થી વાવોલ તથા ક-7થી રાંધેજ તરફ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. સેક્ટરના સૌંદર્યીકરણ માટે થીમ બેઝ્ડ અર્બન ડિઝાઇન અને આકર્ષક પ્રવેશદ્વાર બનાવાશે. ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે મ્યુનિસિપલ શાળાઓમાં AI લેબ્સ, સ્માર્ટ ક્લાસરૂમ, રોબોટિક્સ તાલીમ, ડેટા સેન્ટર તેમજ આધુનિક 'નમો લાઈબ્રેરી' અને ગામડાઓમાં વાંચન સુવિધાઓ ઊભી કરાશે.
રમતગમત ક્ષેત્રે ગાંધીનગરને 'સ્પોર્ટ્સ કેપિટલ' તરફ લઈ જવા કોમનવેલ્થ ગેઈમ્સ સંદર્ભે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ, મહિલાઓ માટે અલાયદા જીમ અને રોબોટિક્સ આધારિત સ્પોર્ટ્સ ફેસિલિટી વિકસાવાશે. પ્રવાસન અને વારસાના જતન માટે 'ગાંધીનગર શહેરી દર્શન' થીમ આધારિત ડબલ ડેકર એસી બસ સેવા, અંબાપુર વાવનો હેરિટેજ વિકાસ અને 'વેસ્ટ ટુ બેસ્ટ' થીમ પર વન્ડર પાર્ક નિર્માણની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, સેક્ટર-1 ના તળાવનું રી-ડેવલપમેન્ટ કરાશે.
સર્વસમાવેશી વિકાસ અંતર્ગત ગોકુળપુરા, ફતેપુરા, આદીવાડા અને કુબેરનગર જેવા વિસ્તારોમાં સુવિધાઓનો વિકાસ, રાંધેજામાં કમ્યુનિટી હોલ, પીએમ આવાસ યોજના, ઝોનલ ઓફિસોનું વહીવટી વિકેન્દ્રીકરણ, ફિઝિયોથેરાપી સેન્ટર્સ, મોબાઈલ ફૂડ સેફ્ટી ટેસ્ટિંગ વાન અને એસઓપી મુજબ પશુઓ માટે એનિમલ હોસ્પિટલ તથા અંતિમ સંસ્કારની સુવિધા ઊભી કરવાનો સંકલ્પ ભાજપા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
