તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
કોંગ્રેસ અને વિપક્ષના ભ્રામક પ્રચાર સામે ભાજપનું રાજ્યવ્યાપી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન : ૨૫ ઓક્ટોબરથી પ્રારંભ, સુરતથી પદયાત્રાઓનો થશે આરંભ
SIR મુદ્દે ફેલાવાતી અરાજકતા અને સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામેના પડકારોને ઉજાગર કરવા કરાશે આયોજન : અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પદયાત્રાઓ, યુવા સંવાદ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠકો યોજાશે - ડો. અનિલભાઈ પટેલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર કરતા રાજ્યમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. દેશની લોકતાંત્રિક અને સંવૈધાનિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસને વધુ મજબૂત કરવા તેમજ એસઆઈઆર (SIR) ના મુદ્દે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ભ્રામક માહિતીને તથ્યો સાથે જનતા સમક્ષ ઉજાગર કરવાના હેતુથી આ અભિયાન આગામી ૨૫ ઓક્ટોબરથી શરૂ થશે.
પત્રકાર પરિષદને સંબોધતા ડો. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીપંચ જેવી સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા કરી ખોટી માહિતીના માધ્યમથી જનતામાં અવિશ્વાસ ફેલાવવાની રાજનીતિ દેશના લોકતંત્ર માટે અત્યંત ચિંતાજનક છે. કોંગ્રેસના નેતૃત્વ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે વિપક્ષી નેતાઓ સત્તાની લાલસામાં રાષ્ટ્રહિત કરતા રાજકીય સ્વાર્થને વધુ મહત્વ આપી રહ્યા છે અને રાહુલ ગાંધી ‘લીડર ઓફ ઓપોઝિશન’ નહીં પરંતુ ‘લાયર ઓપોઝિશન’ તરીકે વર્તી રહ્યા છે. ઘૂસણખોરી જેવા ગંભીર મુદ્દાઓ પર પણ કોંગ્રેસનું વલણ દેશહિતના પ્રશ્નોને રાજકીય સંઘર્ષમાં ફેરવવાનું કામ કરી રહ્યું છે.
રાજ્યભરમાં ભવ્ય પદયાત્રાઓ અને કાર્યક્રમોની રૂપરેખા:
આ અભિયાન માત્ર રાજકીય કાર્યક્રમ નથી પરંતુ લોકશાહીના મૂલ્યો અને સંસ્થાઓની ગરિમા જાળવવાનો જનજાગૃતિનો પ્રયાસ છે, જેના ભાગરૂપે રાજ્યના મુખ્ય શહેરોમાં પદયાત્રાઓ યોજાશે:
* સુરત: ૨૫ ઓક્ટોબર, રવિવારના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે અડાજણ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં પદયાત્રાથી અભિયાનનો પ્રારંભ થશે.
* અમદાવાદ: ૨૭ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાશે.
* રાજકોટ: ૨૭ ઓક્ટોબરના રોજ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સહપ્રભારી અજય મહાવર, કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવિયા, નિમુબેન બાંભણિયા અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં વિશાળ પદયાત્રા નીકળશે.
* વડોદરા: ૨૮ ઓક્ટોબરના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરાયું છે.
આ પદયાત્રાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો, વેપારી એસોસિયેશનો, મહિલાઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે. ક્રમશઃ આ તમામ કાર્યક્રમો રાજ્યના અન્ય જિલ્લાઓ અને મહાનગરોમાં પણ વિસ્તારવામાં આવશે.
યુવા સંવાદ અને વિવિધ માધ્યમોથી જનસંપર્ક:
પદયાત્રાઓ ઉપરાંત જિલ્લા અને મહાનગર સ્તરે પત્રકાર પરિષદો યોજીને વિપક્ષના અપપ્રચાર સામે સત્ય હકીકતો રજૂ કરવામાં આવશે. આ સાથે જ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ, યુવાનો માટે ‘લોકતંત્ર વિરુદ્ધ ભીડતંત્ર’ વિષય પર વિશેષ સંવાદ સભાઓ, વિદ્યાર્થીઓ માટે લોકશાહીની મજબૂતીને લગતી સ્પર્ધાઓ તથા પ્રભાવશાળી નાગરિકો અને ઇન્ફ્લુએન્સર્સ સાથે જનસંપર્ક બેઠકો યોજાશે. યુવા સંવાદોના માધ્યમથી દેશના લોકતાંત્રિક ઇતિહાસ, સંવિધાનિક સંસ્થાઓની ભૂમિકા, ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા કલમ ૩૫૬ નો દુરુપયોગ કરી લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન તેમજ કટોકટી કાળ દરમિયાન પ્રેસની સ્વતંત્રતા પર મૂકવામાં આવેલા પ્રતિબંધો જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
