<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

અંકલેશ્વરમાં લોહીના સંબંધો પર ભારે પડ્યા અનૈતિક સંબંધો: સાસુના પ્રેમીની જમાઈ અને સગીર સાળાએ ગળું કાપી ક્રૂર હત્યા કરી, ખેતરમાંથી મળી લોહીલુહાણ લાશ!

ભૂરા રંગના એક્ટિવાએ ખોલ્યો હત્યાનો ભેદ: સારંગપુરની સીમમાં મુન્ના પાવનીની નિર્મમ હત્યા બાદ LCB-SOG એ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

અંકલેશ્વર (ભરૂચ) : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. એક 43 વર્ષીય યુવકની અત્યંત ઘાતકી રીતે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા પાછળ જે કારણ બહાર આવ્યું છે તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. સાસુના અનૈતિક સંબંધોની અદાવતમાં જમાઈ અને સગીર પુત્રએ ભેગા મળીને આ ખૌફનાક ખેલ ખેલ્યો હતો.
સીમમાંથી મળી આવી લાશ અને શંકાસ્પદ એક્ટિવા
સારંગપુર ગામની સીમમાં લોહીલુહાણ હાલતમાં એક યુવકની લાશ પડી હોવાની જાણ થતા જ અંકલેશ્વર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહની બાજુમાં પડેલા ભૂરા રંગના એક્ટિવા પરથી પોલીસને તપાસની પ્રથમ મહત્વની કડી મળી હતી. એલસીબી (LCB) અને એસઓજી (SOG) ની ટીમોએ ડોગ સ્કવોડની મદદથી તપાસ તેજ કરતા જાણવા મળ્યું કે મૃતક 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાવની છે, જેની ધારદાર હથિયાર વડે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
પરિવારના સભ્યો જ બન્યા જલ્લાદ
પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. મુન્ના પાવનીને તે જ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી શાંતિ દેવી નામની મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આ સંબંધોની જાણ મહિલાના પરિવારજનોને થતા ઘરમાં કંકાસ શરૂ થયો હતો. આખરે પોતાની સાસુના આ સંબંધોથી કંટાળીને જમાઈ ભોલુ માનીક મંડલ અને શાંતિ દેવીના સગીર પુત્રએ મુન્નાને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસની જાળમાં ફસાયા હત્યારા
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી ભોલુ મંડલ અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની અટકાયત કરી લીધી છે. બંનેએ કબૂલાત કરી હતી કે તેમણે જ મુન્નાનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે અત્યારે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
અંકલેશ્વર પંથકમાં બનેલી આ ઘટનાએ ચર્ચા જગાવી છે કે કઈ રીતે સામાજિક મર્યાદાઓ નેવે મુકાતા આખરે લોહીના સંબંધો પણ ગુનાના માર્ગે વળી જાય છે. પોલીસે સમયસૂચકતા વાપરીને આ વણઉકેલાયેલા હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી દીધો છે.

(9:55 PM IST)