તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 10th November 2026
ગઢડાના માલપરા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ: બે મહિલાઓ સહિત કુલ છ લોકોને ઈજા
જૂની તકરારની દાઝ રાખીને અચાનક બંને પક્ષો લાકડીઓ,લોખંડના પાઈપ અને તીક્ષ્ણ હથિયારો સાથે આમનેસામને આવી ગયા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા માલપરા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. જૂની બાબતની દાઝ રાખીને બંને પક્ષો હિંસક રીતે સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ જૂથ અથડામણમાં બે મહિલાઓ સહિત કુલ છ લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો.
ગઢડા પંથકના માલપરા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે અગાઉ થયેલી બોલાચાલીને લઈને ભારે મનદુઃખ ચાલતું હતું.આ જૂની તકરારની દાઝ રાખીને અચાનક બંને પક્ષો લાકડીઓ,લોખંડના પાઈપ અને તીક્ષ્ણ હથિયારો સાથે આમનેસામને આવી ગયા હતા અને જોતજોતામાં મામલો અત્યંત ઉગ્ર બની ગયો હતો.ઉશ્કેરાયેલા લોકોએ સામસામે ઘાતક હુમલો કરી દેતાં ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.મારામારી દરમિયાન શેરીમાં પડેલા બાઈકમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી તેમજ ઘરમાં રહેલા ટીવી સહિતની ઘરવખરીની વસ્તુઓમાં પણ વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આ ઘર્ષણમાં બંને જૂથના બે મહિલાઓ સહિત કુલ 6 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.હથિયારોના ઘા વાગવાથી ઈજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.જે પૈકી બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાકીદે અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.બંને પક્ષે થયેલી આ જૂથ અથડામણને પગલે પંથકમાં ભારે ચકચાર અને ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
