News of Sunday, 12th July 2026
જોટાણાના મેમદપુરમાં રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ: બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ
ખેતરમાં જવાના રસ્તા બાબતે તકરાર વધી, બંને પક્ષે લાકડીઓ અને ધારિયા ઉછળ્યા

મહેસાણા : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મેમદપુર ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેતરના રસ્તાના વિવાદે ભારે હિંસક વળાંક લીધો છે. વર્ષો જૂની અદાવત અને રસ્તાના સામાન્ય પ્રશ્ને બે પરિવારો આમને-સામને આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી આ લડાઈ જોતજોતામાં સશસ્ત્ર અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષના લોકો લાકડીઓ, ધારિયા અને અન્ય ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
આ હિંસક હુમલામાં બંને પક્ષના થઈને 5થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હથિયારોના આડેધડ ઘા વાગવાને કારણે ઈજાગ્રસ્તો લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ગામની સીમમાં થયેલી આ સશસ્ત્ર અથડામણની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મામલો શાંત પાડ્યો હતો. આ લોહિયાળ સંઘર્ષ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ 8 શખ્સો સામે રાયોટિંગ અને જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
