તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 9th July 2026
ઠાસરાના પાંડવનિયા ગામના સ્મશાન નજીક ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર
કળિયુગી માતા-પિતાએ પોતાની માસૂમ પુત્રીને જન્મ આપ્યા બાદ તેને નિરાધાર સ્થિતિમાં ગટરમાં ફેંકીને મોતને હવાલે કરી દેતા લોકોમાં આક્રોશ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પાંડવનિયા ગામમાં માનવતાને લાંછન લગાડતી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના સ્મશાન નજીક આવેલી ગટરમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કળિયુગી માતા-પિતાએ પોતાની માસૂમ પુત્રીને જન્મ આપ્યા બાદ તેને નિરાધાર સ્થિતિમાં ગટરમાં ફેંકીને મોતને હવાલે કરી દેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડવનિયા ગામના સ્મશાન પાસે આવેલી ગટરમાં કંઈક શંકાસ્પદ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક તેની જાણ પોલીસ કંટ્રોલ રૂમ (112) પર કરી હતી. માહિતી મળતા જ ડાકોર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી બાળકીના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો હતો.
પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ કૃત્ય કોઈ નિષ્ઠુર માતા-પિતા દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાય છે. હાલમાં, બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં આજે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેનાથી મૃત્યુના ચોક્કસ કારણો જાણી શકાશે.
ડાકોર પોલીસ હાલ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા અને સ્થાનિકોની પૂછપરછ કરીને આ પાપ કરનાર માતા-પિતા સુધી પહોંચવા માટે સઘન શોધખોળ કરી રહી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
