News of Tuesday, 23rd June 2026
અમદાવાદના નવરંગપુરામાં મીઠાખળી અંડરપાસ પાસે પાર્ક કરેલી કારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો: દારૂની બોટલ પણ મળી
સિટી ગોલ્ડ થિયેટરની પાછળ મેટ્રો બ્રિજના પિલર નીચે એક વાદળી રંગની કારમાંથી મૃતદેહ મળ્યો :પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખુલશે મોતનું રહસ્ય

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા મીઠાખળી અંડરપાસ નજીક પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ અને FSLની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવકની ઓળખ વિકાસ તરીકે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે બની હોવાને કારણે પણ અનેક સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ નવરંગપુરા વિસ્તારમાં સિટી ગોલ્ડ થિયેટરની પાછળ મેટ્રો બ્રિજના પિલર નીચે એક વાદળી રંગની કાર લાંબા સમયથી પાર્ક કરેલી જોવા મળી હતી. શંકા જતાં તપાસ કરતાં કારની અંદર એક યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક પાસેથી મળેલા ઓળખપત્રના આધારે તેનું નામ વિકાસ હોવાનું જાણવા મળ્યું છે અને તે નવરંગપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની એક બોટલ પણ મળી આવી હતી. જોકે મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારના ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જેના કારણે આ મોત અકસ્માત, કુદરતી કારણોસર કે અન્ય કોઈ કારણસર થયું છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FSLની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવક નશાની હાલતમાં હોઈ શકે છે અને કારમાં પેટ્રોલ ખૂટી જતાં તેણે ત્યાં જ કાર ઊભી રાખી આરામ કર્યો હોય. જોકે ત્યારબાદ તેનું મોત કેવી રીતે થયું તે હજુ રહસ્ય છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદના સોલા અને સરખેજ વિસ્તારોમાં પણ કારમાંથી મૃતદેહ મળવાના બનાવો સામે આવ્યા હતા. જેના કારણે આ ઘટના પણ ચર્ચાનો વિષય બની છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
