તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ ડો.હર્ષ ચૌધરીનો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળ્યો
ડો.હર્ષ ચૌધરીનું કુદરતી મૃત્યુ થયું છે કે એમણે આત્મહત્યા કરી છે એ મુદ્દે ઘૂંટાતું રહસ્ય

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડન્ટની પોસ્ટ પર કામ કરતા એનેસ્થેસિયોલોજિસ્ટ ડો.હર્ષ ચૌધરીનો રૂમમાંથી મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.હાલ તો એમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થઈ રહ્યું છે, એમનું કુદરતી રીતે મૃત્યુ થયું છે કે આત્મહત્યા કરી છે એ તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મનિષ મેહતાએ જણાવ્યું હતું કે એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડન્ટની પોસ્ટ પર કામ કરતા એનેસ્થેસિયોલોજીસ્ટ ડો.હર્ષ ચૌધરી 8 મે ના રોજ એમની ડ્યુટી પર આવ્યા ન્હોતા.એટલે એમની સાથે કામ કરતા અન્ય ડોકટરોએ ડો.હર્ષનો ફોન પર સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ એમણે ફોન રીસીવ ન કરતા તેઓ એમના રૂમ પર જઈ બારણું ખખડાવ્યું હતું તે છતાં એમણે બારણું ન ખોલતા આખરે બારણું તોડી પાડવામાં આવતા ડો.હર્ષ એમના બેડ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા.જે બાદ એમને તુરંત ઇમરજન્સી વિભાગમાં લઈ જવાતા એમની તપાસ કરાતા તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા.
ડો.મનિષ મેહતાએ વધુમાં જણાવ્યું હતું કે 6 મહિનાથી અહીંયા કામ કરતા 30 વર્ષીય ડો.હર્ષ ચૌધરીએ 7 મી મે ના રોજ ઓપરેશન વિભાગમાં એમની ફરજ નિભાવી હતી, એ દરમિયાન તો એમની તબિયત સારી હતી પરંતુ એમને તાવ અને વિક્નેશ હોવાની ફરિયાદ ડો.હર્ષે અન્ય ડોક્ટરોને કરી હતી, તાવ માટે તેઓ આઈ.વી ડ્રગ્સ લેતા હતા, હવે આઈ.વી ડ્રગ્સમાં બીજું કઈ લીધું હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ મૃત્યુનું સાચું કારણ તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. આ બાબતે પોલીસને જાણ કરાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી છે, એમના સગા સબંધીઓને પણ જાણ કરાઈ છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
