તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
વાવના મોરીખા તળાવમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો: દફનવિધિના ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કાઢતાં થયો ધડાકો!
અકસ્માતે મોતનો કેસ હત્યામાં પલટાયો: પરિવાર અને દલિત સમાજના સતત વિરોધ બાદ સેશન્સ કોર્ટે આપી IPC કલમ ૩૦૨ ઉમેરવાની મંજૂરી

વાવ : બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે તળાવમાંથી મળી આવેલા યુવકના મૃતદેહના કેસમાં ૮૪ દિવસ બાદ એક અત્યંત ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં અકસ્માતે મોત તરીકે નોંધાયેલો આ કેસ હવે સત્તાવાર રીતે દફનવિધિના ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કાઢી કરાયેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ હત્યાના ગુનામાં તબ્દીલ થયો છે. થરાદ સેશન્સ કોર્ટના આદેશ બાદ પોલીસે આ મામલે આઈપીસીની કલમ ૩૦૨ (હત્યા) નો ઉમેરો કરીને આગળની કાયદાકીય તપાસ ધમધમાવી છે.
બનાવની વિગત મુજબ, મોરીખા ગામનો યુવક લખીરામ પરમાર ગુમ થયા બાદ પરિવારજનોએ વાવ પોલીસ મથકે ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગામના 'વારીયા' તરીકે ઓળખાતા તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શરૂઆતમાં આ ઘટનાને અકસ્માતે મોત તરીકે દર્શાવી હતી. જોકે, પરિવારજનોએ દાવો કર્યો હતો કે યુવકની નિર્મમ હત્યા કરીને મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ૫ શંકાસ્પદો સામે દુષ્પ્રેરણ (IPC કલમ ૩૦૬) હેઠળ કેસ નોંધી તેમની અટકાયત કરાઈ હતી.
ડીવાયએસપીની તપાસ અને કોર્ટનો મોટો આદેશ
તપાસથી અસંતૃપ્ત પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો દ્વારા આંદોલનો, આવેદનપત્રો અને રેલીઓ યોજી તટસ્થ તપાસની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા જોઈ રેન્જ આઈજી દ્વારા તપાસ સિદ્ધપુરના ડીવાયએસપી કે.કે. પંડ્યાને સોંપાઈ હતી. તપાસ અધિકારીએ દફનવિધિના ૮૪ દિવસ બાદ મૃતદેહને કાયદેસરની પ્રક્રિયા કરી બહાર કાઢ્યો હતો અને ફોરેન્સિક પુરાવા મેળવ્યા હતા. આ રિપોર્ટ થરાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે હત્યાનો ગુનો બનતો હોવાનું સ્વીકારી આઈપીસી ૩૦૨ ઉમેરવા આદેશ કર્યો છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
