<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ધોળકાના સિમેજ ગામમાં માન્ય ડિગ્રી વગર એલોપેથીક સારવાર આપતા એક બોગસ તબીબને ઝડપી લેવાયો

અમદાવાદ SOGએ બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું :સિમેજ ગામે ચાલતા ક્લિનિક પર SOG ની ટીમે ગાણોલ PHCના મેડિકલ ઓફિસર સાથે રાખીને દરોડા પાડ્યા

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાજેતરમાં ધોળકા તાલુકાના સિમેજ ગામમાં કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર એલોપેથીક સારવાર આપતા એક બોગસ તબીબને એસઓજી (SOG) એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ક્લિનિકોના નેટવર્ક પર અનેક સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદ SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સિમેજ ગામે ચાલતા એક શંકાસ્પદ ક્લિનિક પર જ્યારે SOG ની ટીમે ગાણોલ PHC ના મેડિકલ ઓફિસર સાથે રાખીને દરોડા પાડ્યા, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કિશનકુમાર નારણભાઈ સોલંકી (રહે. જાખડા, તા. ધોળકા) નામનો શખ્સ કોઈપણ માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત ધરાવતો ન હોવા છતાં ગ્રામજનોને એલોપેથીક દવાઓ અને સારવાર આપી રહ્યો હતો.

 

પોલીસે ક્લિનિકમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા ત્યાંથી મોટી માત્રામાં તબીબી સાધનો અને દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. 1,13,541 ની કિંમતની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ કૌભાંડમાં અન્ય એક વ્યક્તિ મેહુલભાઈ જીવાભાઈ ભરવાડનું નામ પણ ખુલ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

, 

(12:28 AM IST)