<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

વડોદરાના શિનોર તાલુકામાં ભાજપની અંદર ઉકળતો ચરુ : પ્રમુખે જાહેરમાં કહ્યું -ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે

ચૂંટણીના નિર્ણાયક તબક્કે જ "ઘરના જ ઘાતકી" બન્યા હોવાની આ કબૂલાત પાછળના અસલી ખેલાડીઓ કોણ: સ્થાનિક ચૂંટણીના પ્રચાર દરમિયાન આંતરિક જૂથવાદનો પર્દાફાશ

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ જાહેરમાં આવ્યો છે. શિનોર ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ દ્વારા કરવામાં આવેલા એક વિસ્ફોટક નિવેદને પક્ષના હાઈકમાન્ડની ઊંઘ ઉડાડી દીધી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી એક બેઠકમાં તેમણે પક્ષના જ કાર્યકરો અને નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. 

શિનોરમાં ભાજપના કાર્યકરોને સંબોધતા સંકેત પટેલે ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે, "અત્યારે ભાજપને હરાવવા માટે કોઈ વિપક્ષની જરૂર નથી, પરંતુ ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પક્ષ એકતાના દાવા કરી રહ્યો છે. તેમણે ઈશારો કર્યો હતો કે પક્ષની અંદર જ કેટલાક એવા તત્વો સક્રિય છે જેઓ સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા માટે આંતરિક રીતે કામ કરી રહ્યા છે. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરા જિલ્લા ભાજપમાં સોપો પડી ગયો છે.

 

સ્થાનિક ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત ભાજપ માટે આ સ્થિતિ પડકારજનક બની છે. શિનોર તાલુકામાં લાંબા સમયથી જૂથવાદની ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ સંગઠન પ્રમુખના હોદ્દા પર રહેલી વ્યક્તિ જ્યારે જાહેરમાં આવી વાત કરે ત્યારે તે પક્ષની શિસ્ત પર સવાલ ઊભા કરે છે. સંકેત પટેલના આ નિવેદન બાદ હવે જિલ્લા કક્ષાના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડતા થયા છે. શું આ જૂથવાદ ચૂંટણીના પરિણામો પર અસર કરશે કે કેમ? અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે સંગઠન કેવા પગલાં લેશે, તે હવે જોવાનું રહેશે.

(7:42 PM IST)