તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
પોકસો કેસમાં સુરતના બન્ને આરોપીઓને ૪ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨,૬૫,૦૦૦-નો દંડ ફટકારતી ખંભાળીયાની સ્પે. પોકસો કોર્ટ
આરોપીઓ બને સગા ભાઈઓએ અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી

( કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળિયા : આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, સગીર ભોગબનનાર/ફરીયાદીની સગાઈ આરોપી નં.(૧) અકરમ હુસેન સાંજી (રહે. સુરતવાળા) સાથે ફરીયાદ કર્યાના થોડા વર્ષ અગાઉ થયેલી સગાઈ બાદ બન્ને વચ્ચે ફોનકોલ અને મેસેજથી વાતચીત થતી હતી તે દરમીયાન આરોપી નં. (૧) વાળાએ ભોગબનનાર/ફરીયાદી સાથે ફોનમાં વારંવાર કહેલ કે આ સગાઈ મારા માતાના કહેવાથી સગાઈ કરેલ છે. મારે તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહી વારંવાર ઝગડો અને ગાળાગાળી કરતા હતા. ત્યારબાદ ભોગ બનનાર/ફરીયાદીએ તેના પીતાને વાત કરતા ભોગ બનનારના પીતાએ પરીવાર સાથે બેસીને આરોપી નં. (૧) સાથે થયેલ સગાઈ ફરીયાદ કર્યાના ત્રણેક મહીના પહેલા તોડી નાખેલ.
આ સગાઈ તુટયા બાદ આરોપી નં.(૧) તેમજ આરોપી નં.(૨) અકબર હુસેન સાંજી (રહે. સુરતવાળા) તથા ભોગબનનાર/ફરીયાદી તેમજ ભોગ બનનારના બહેન તેમ આ બધાનું સોશિયલ મીડીયા એપ વોટસએપમાં એક ગ્રુપ બનાવેલ હતું. તે ગ્રુપમાં ભોગબનનાર/ફરીયાદી અને આરોપી નં. (૧) એક વચ્ચે સગાઈ દરમીયાન એકાંત સમયે થયેલ વિડીયો કોલમાંથી લીધેલ ભોગ બનનારનો સ્ક્રીનશોટ (અશ્લીલ ફોટો) ગ્રુપમાં આરોપી નં. (ર)એ અપલોડ કરેલ. તેમજ બન્ને આરોપીઓએ ભોગબનનાર/ફરીયાદીને ધમકી આપી અને વોટસએપ મેસેજમાં કહેલ કે દસ મીનીટમાં પૈસા મોકલી આપજે નહીતર તારા ફોટા અને વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કરી દઈશ અને તારી કયાંય સગાઈ થશે નહી અને સગાઈ થઈ તો તોડાવી નાખીશ. આ બન્ને આરોપીઓ સગા ભાઈઓ થાય છે અને આ બન્ને આરોપીઓએ ભોગબનનાર/ફરીયાદીના અન્ય સંબંધીઓને પણ ભોગબનનારનો સ્ક્રીનશોટ(અશ્લીલ ફોટો) મોકલેલ અને ભોગબનનારને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી. બન્ને આરોપીઓએ સાથે મળી ગુનો કરેલ હોય જે અંગેની ભોગબનનાર/ફરીયાદીએ તા.૦૩/૦૩/૨૦૨૪ ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ હતી અને ગુનાની તપાસના અંતે આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતી.
ત્યારબાદ આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા ખંભાળીયાની નામદાર સ્પે. પોકસો કોર્ટના જજ મે. એસ.જી.મનસુરીએ પ્રોસીકયુશન તરફે રજુ થયેલ સમગ્ર પુરાવા અન્વયે મદદનીશ જીલ્લા સરકારી વકીલ બી.એસ.જાડેજા ની દલીલો ધ્યાને લઈ ખંભાળીયાની સ્પે. પોકસો કોર્ટના જજ મે. એસ.જી.મનસુરીએ આરોપીઓ (૧) અકરમ હુસેન સાંજી (ર) અકબર હુસેન સાંજી નાઓને ઈ.પી.કો. કલમ - ૩૫૪(સી) ના ગુનામાં તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સખત કેદની સજા તથા ઈ.પી.કો. કલમ ૩૮૪ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫,૦૦૦/- ની રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા તથા ઈ.પી.કો. કલમ - ૫૦૪ના ગુનામાં તકસીરવાન ઠેરવી રૂા.૫,૦૦૦/- ની રકમનો દંડ તથા ઈ.પી.કો. કલમ - ૫૦૬(૨) ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫,૦૦૦/- ની રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા તથા આઈ.ટી. એકટ કલમ - ૬૬(ઈ) ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫૦,૦૦૦/- ની રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૯ માસની સાદી કેદની સજા તથા આઈ.ટી. એકટ કલમ - ૬૭ ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫૦,૦૦૦/- ની રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૯ માસની સાદી કેદની સજા તથા આઈ.ટી. એકટ કલમ - ૬૭(બી) ના ગુનામાં તકસીરવાન ઠેરવી ૪ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧,૦૦,૦૦૦/- ની રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા તથા પોકસો એકટની કલમ - ૧૨ અને ૧૭ ના ગુનામાં તકસીરવાન ઠરાવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.૫૦,૦૦૦/- ની રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૯ માસની સાદી કેદની સજા નો હુકમ ફરમાવેલ છે. તેમજ ભોગબનનારને આરોપીઓને કરેલ દંડની રકમમાંથી રૂ.૨,૫૦,૦૦૦/- વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કરેલ છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
