<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

બ્રાહ્મણ સમુદાય પર ટિપ્પણી કરી ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ ખરાબ રીતે ફસાયા: સુરતની કોર્ટે ફટકારી નોટિસ, દેશભરમાં ભારે આક્રોશ વચ્ચે મામલો ગરમાયો

સોશિયલ મીડિયા પર 'X' યુઝર સાથેની લડાઈમાં પ્રોફેસર જેવી દલીલ નડી; "બ્રાહ્મણો મારું કંઈ બગાડી નહીં શકે" તેવા કથિત નિવેદન બાદ દિલ્હી, મુંબઈથી લઈને ગુજરાત સુધી ફરિયાદોનો દોર, પરિવારને મળી ધમકીઓ

સુરત: બોલિવૂડના વિવાદાસ્પદ અને બેબાક ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મો કરતાં પણ વધુ પોતાના સોશિયલ મીડિયા નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેઓ બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ કથિત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે કાનૂની સકંજામાં ફસાયા છે. ગુજરાતના સુરત શહેરમાં એડવોકેટ કમલેશ રાવલે આ મામલે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડક કાનૂની ફરિયાદ નોંધાવી છે. રાવલનો આરોપ છે કે કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે હવે સુરતની સ્થાનિક કોર્ટે ફિલ્મ મેકરને હાજર થવા માટે સત્તાવાર નોટિસ પણ જારી કરી દીધી છે.

'ફૂલે' ફિલ્મના ટ્રેલરથી શરૂ થયો આખો વિવાદ

આ વિવાદની પૃષ્ઠભૂમિ મહાન સમાજ સુધારકો જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત આગામી ફિલ્મ "ફૂલે" થી શરૂ થઈ હતી. આ ફિલ્મના ટ્રેલર રિલીઝ બાદ કેટલાક બ્રાહ્મણ સંગઠનોએ એવો વાંધો ઉઠાવ્યો હતો કે તેમાં તેમના સમુદાયને નકારાત્મક પ્રકાશમાં દર્શાવવામાં આવ્યો છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ફાટી નીકળી હતી, જેમાં અનુરાગ કશ્યપે પણ કૂદી પડીને પોતાના વિચારો ઉગ્રતાથી વ્યક્ત કર્યા હતા.

આ દરમિયાન, ૧૯ માર્ચે અનુરાગ કશ્યપની એક પોસ્ટ પર કમેન્ટ કરતાં આદિત્ય દત્તા નામના 'X' યુઝરે તેમને તે ટ્વિટ હટાવી લેવા વિનંતી કરી હતી. આરોપ છે કે ગુસ્સામાં આવીને અનુરાગ કશ્યપે તે યુઝરને રીટ્વીટ કરતાં અપશબ્દો કહ્યા અને લખ્યું, "બ્રાહ્મણો મને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી." આ કથિત અહંકારી ટિપ્પણીનો સ્ક્રીનશોટ વાયરલ થતાં જ દેશભરના બ્રાહ્મણ સમુદાયમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી હતી.

દેશના અનેક રાજ્યોમાં FIR, સુરત કોર્ટ એક્શનમાં

ફરિયાદી વકીલ કમલેશ રાવલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ફિલ્મ જગતના જવાબદાર વ્યક્તિ દ્વારા આ પ્રકારની જ્ઞાતિસૂચક અને અણછાજતી ટિપ્પણીઓ ચલાવી લેવાય નહીં. અનુરાગની આ પોસ્ટ બાદ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ દિલ્હી, મુંબઈ અને છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં તેમની વિરુદ્ધ પોલીસ અને કોર્ટમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સુરત કોર્ટે મામલાની ગંભીરતાને જોઈને કશ્યપને સમન્સ પાઠવ્યું છે.

વિવાદ વધતાં માંગી માફી: પરિવારને મળી રહી છે જાનથી મારવાની ધમકી:

બીજી તરફ, મામલો કોર્ટ સુધી પહોંચતા અને ચારેબાજુથી ઘેરાઈ ગયા બાદ અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર લાંબી સ્પષ્ટતા કરી માફી માંગી લીધી છે. તેમણે દાવો કર્યો છે કે તેમની વાતને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહી છે. આ વિવાદ એટલો વકરી ગયો છે કે સોશિયલ મીડિયા પર ટ્રોલીંગની સાથે-સાથે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમના પરિવારના સભ્યો, દીકરી અને નજીકના સંબંધીઓને બળાત્કાર તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમનો પરિવાર હાલમાં ભારે ભયના ઓથાર હેઠળ છે.

(9:49 PM IST)