<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

'તુટી પડો' સીપી અનુપસિંહ ગેહલોતની ગર્જના પગલે સુરતમાં રીઢા ગુનેગારો સામે ઓપરેશન રેમ્બોનો પ્રારંભ : ક્રાઈમ બ્રાન્ચ , SOG અને સ્થાનિક એડિશનલ પોલીસ કમિશનરો, તમામ ડીસીપી, મોટા પોલીસ ફોજ સાથે મેદાનમાં : ક્રાઈમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલા, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા અને SOG ડીસીપી રાજદીપસિંહ નકુમને વિશેષ જવાબદારી : ૭૨ ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત ક્રાઈમ કમિશનર કરણરાજ વાઘેલા, બલરામ મીના, મહેન્દ્ર બગરીયા તથા ટ્રાફિક કમિશનર સજન સિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં મેગા કોમ્બિંગ ડ્રાઈવ : હથિયારો સાથે ફરતા અને તડીપાર હુકમનો ભંગ કરનાર રીઢા ગુનેગારો પોલીસની પકડમાં

સુરત: સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરી અને ખાસ કરીને યુવા પેઢી અપરાધની દુનિયા તરફ વળતી અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અત્યંત ગુપ્ત અને આક્રમક 'ઓપરેશન રેમ્બો'ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મંગળવારે બપોરે ૨:૦૦ વાગ્યા પછી શહેરના તમામ પોલીસ સ્ટેશનો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે મેગા કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ આક્રમક કાર્યવાહીમાં ૭૨ જેટલા ઈસમો નાના-મોટા ઘાતક હથિયારો સાથે ઝડપાયા છે, જ્યારે તડીપાર હુકમનો ભંગ કરનાર એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં તથા બલરામ મીના, મહેન્દ્ર બગરીયા અને ટ્રાફિક કમિશનર સજન સિંહ પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસનું વિશાળ કાફલો મેદાનમાં ઉતર્યો હતો. આ ઓપરેશનમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, ક્રાઈમના નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયા અને મદદનીશ પોલીસ કમિશનર કિરણ મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. આ ઉપરાંત, આલોક કુમાર, કે એમ દેસાઈ, રાઘવ જૈન, નિધિ ઠાકોર, રાજેશ પરમાર, સેફાલી બરવાલ, એલ એ ઝાલા, કંટ્રોલરૂમના નાયબ પોલીસ કમિશનર એ એમ પરમાર તથા ટ્રાફિકના નાયબ પોલીસ કમિશનર મોમાયા, અનુપમ અને બીશાખા જૈન જેવા વરિષ્ઠ અધિકારીઓએ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસનું નેતૃત્વ કર્યું હતું.
શહેરમાં નાની નાની બાબતે થતી હત્યાઓ અને ગુનાખોરીના વધતા પ્રમાણને ધ્યાને લઈને પોલીસ કમિશનર દ્વારા લિંબાયત, ડીંડોલી, પાંડેસરા, ભેસ્તાન, અમરોલી અને સચિન જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ૧૬ વર્ષથી નાની વયના કિશોરો ગુનાખોરીમાં ન જોડાય તે માટે આ અભિયાન હેઠળ ગુનેગારોના ઘરની તલાસી લેતા ઘરમાંથી ચપ્પુ, છોરો અને રેમ્બો જેવી ઘાતક સામગ્રી મળી આવી હતી. પોલીસ કમિશનરની "તુટી પડો"ની ગર્જના બાદ સાયબર સેલ અને બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય કરવામાં આવ્યું છે.
પોલીસની આ મેગા ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો છે. પોલીસ કમિશનર દ્વારા જાતે ચેકિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગુનેગારો સલામત સ્થળે છુપાવવાના પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ પોલીસની સક્રિયતાને કારણે તેમને પકડી પાડવામાં સફળતા મળી છે. આ સમગ્ર ઓપરેશનનો હેતુ યુવા પેઢીને અપરાધની દુનિયાથી દૂર રાખી સુરતને સુરક્ષિત શહેર બનાવવાનો છે. હાલમાં પકડાયેલા તમામ ૭૨ અપરાધીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

(2:57 PM IST)