તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
વાપીના છરવાડા ગામમાં ધોળા દિવસે ચપ્પુના ઘા ઝીકી પત્નીની નિર્મમ હત્યા: પતિની ધરપકડ
સંસ્કાર એપાર્ટમેન્ટના ગેટ પાસે પતિએ ચપ્પુથી હુમલો કર્યો:ગળાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું મોત :ઘરકંકાસ હોવાથી પત્ની બાળક સાથે અલગ રહેતી હતી:લોકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો

વલસાડ જિલ્લાના વાપીમાં ધોળા દિવસે પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના ઘટી છે. છરવાડા ગામમાં સંસ્કાર એપાર્ટમેન્ટના ગેટ પાસે એક પતિએ પોતાની પત્ની પર ચપ્પુથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ આરોપી પતિને પકડી પોલીસના હવાલે કર્યો હતો.
આ ઘટનામાં એવી માહિતી મળી છે કે, છરવાડા ગામમાં સંસ્કાર એપાર્ટમેન્ટના ગેટ પાસે સીમા નામની મહિલા પર તેના પતિ પરેશે ચપ્પુથી હુમલો કર્યો હતો. મહિલાના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી લોકોમાં પણ ભારે ચકચાર જોવા મળી હતી.
મૃતક સીમા બ્યુટી પાર્લર ચલાવતી હતી. અહેવાલ મુજબ, તે પોતાના કામ માટે જઈ રહી હતી ત્યારે તેના પતિ પરેશે તેને રોકી હતી. ત્યારબાદ બંને વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોવાની પણ માહિતી છે. આ દરમિયાન ઉગ્ર આવેશમાં આવેલા પરેશે કંઈ પણ સમજ્યા વગર ચપ્પુ કાઢીને સીમાની ગરદન પર હુમલો કરી દીધો હતો. અને સીમે ત્યાં જ ઢળી પડી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. વારંવારના કંકાસથી કંટાળીને સીમે પોતાના બાળક સાથે પતિથી અલગ રહેતી હતી. ઘટનાના દિવસે બંને સામસામે આવ્યા બાદ મામલો ઉગ્ર બન્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
હુમલો થતાં આસપાસ હાજર લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ આરોપી પરેશને પકડી લીધો હતો. ત્યારબાદ બનાવની જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોકોએ આરોપી પતિને પોલીસના હવાલે કર્યો હતો.
પોલીસે સીમાની હત્યાના આરોપમાં તેના પતિ પરેશની ધરપકડ કરી લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે હત્યા પાછળના ચોક્કસ કારણ, પતિ-પત્ની વચ્ચેના વિવાદ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરી રહી છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
