<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

રાજકીય પક્ષની મોહરા હેઠળ કરોડોના બોગસ ફંડિંગનું બંટી-બબલી કૌભાંડ ખુલ્લું: આવકવેરા વિભાગની તપાસ બાદ અમદાવાદની ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ સામે સીઆઈડી ક્રાઈમે રૂ. 519 કરોડના કાળા કારોબારનો ગુનો નોંધ્યો

​માત્ર કાગળ પર ચાલતી રાજકીય પાર્ટી મારફતે 8 થી 9 ટકા કમિશન કાપીને દાતાઓને રોકડ પરત આપવાની મોડસ ઓપરેન્ડી દ્વારા સરકારી તિજોરીને રૂ. 155 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાનો સનસનાટીભર્યો પર્દાફાશ

અમદાવાદ:રાજકીય પક્ષોને મળતી કરમુક્તિની જોગવાઈઓનો દુરુપયોગ કરીને કાળું નાણું ધોળું કરવાના કારસાનો આવકવેરા વિભાગ અને CID ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના નરોડા રોડ પર આવેલા સૈજપુર બોઘા વિસ્તારની એક નાની દુકાનમાંથી ચોપડે દર્શાવવામાં આવતી 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' ના નામે આચરવામાં આવેલા રૂપિયા 519 કરોડના મોટો બોગસ રાજકીય ડોનેશન અને હવાલા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી વ્યાપક તપાસ હાથ ધરી છે.

​આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણી દરમિયાન સામે આવ્યું છે કે, ચોપડે નોંધાયેલા સરનામે આ રાજકીય પાર્ટીનું કોઈ ભૌતિક અસ્તિત્વ, ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કર્મચારીઓ હાજર નહોતા. આ પક્ષનો ઉપયોગ મુખ્યત્વે કલમ 80GGC હેઠળ કરદાતાઓને 100 ટકા કરમુક્તિની છૂટ અપાવીને કરોડો રૂપિયાનું ભંડોળ બેંકિંગ ચેનલ મારફતે મેળવવા માટે થતો હતો. મેળવેલી રકમમાંથી 8 થી 9 ટકા જેટલું કમિશન કાપીને બાકીના નાણાં જે.વાય. ટ્રેડિંગ કંપની નામની શેલ એન્ટિટી (શેલ કંપની) મારફતે ઉપાડીને દાતાઓને રોકડેથી પરત ચૂકવી દેવામાં આવતા હતા. આ સિન્ડિકેટ દ્વારા આશરે રૂપિયા 155 કરોડની સીધી કરચોરી કરીને સરકારી તિજોરીને મોટો ચૂનો લગાડવામાં આવ્યો છે.

​આ કૌભાંડ આચરવા બદલ સિઆઈડી ક્રાઈમે રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર પરસોત્તમપ્રકાશ તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર મહેશકુમાર ખત્રી તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ સહિતના સૂત્રધારો સામે ગુનો દાખલ કર્યો છે. આરોપ મુજબ સીઆઈએ યોગ્ય વેરિફિકેશન વિના કન્ટ્રીબ્યુશન રિપોર્ટ્સ પ્રમાણિત કર્યા હતા અને ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ 24A રજૂ કરીને સત્તાવાળાઓને ગેરમાર્ગે દોર્યા હતા. સમગ્ર કૌભાંડમાં મની ટ્રેલ, હવાલા નેટવર્ક અને બેંકિંગ વ્યવહારો ઊંડાણપૂર્વક તપાસવા માટે તપાસ એજન્સીઓએ ચક્ર ગતિમાન કર્યા છે.

(6:06 PM IST)