<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

અખાત્રીજે અમદાવાદના સોની બજારમાં ૯૦ કરોડનો ધંધો

૫૦ કિલો સોનું ૫૦૦ કિલો ચાંદીનું વેચાણ : લાંબા સમયથી બજારમાં ચાલતી સુસ્‍તી ઉંડી : લગ્નસરા માટે પણ લોકોએ ખરીદી શરૂ કરીઃ લગડી અને સિક્કાની સાથે દાગીનાનું પણ વેચાણ

અમદાવાદ તા.૨૦: સોના અને ચાંદીના ભાવમાં અધધધ કહી શકાય તેવો ભાવ વધારો થયો છે. જેને કારણે લાંબા સમયથી સોના-ચાંદીના બજારમાં સુસ્‍તી જોવા મળતી હતી ત્‍યારે અખાત્રીજથી બજારમાં ફરીથી તેજી શરૂ થતાં બજાર જાણે કે રિફ્રેશ થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. અખાત્રીજે લોકો શુકનરૂપે સોના-ચાંદીની ખરીદી કરતા હોવાથી અમદાવાદના બજારમાં તેજી જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ અખાત્રીજના દિવસે અમદાવાદના બજારોમાં ૫૦ કિલો સોનું અને ૫૦૦ કિલો ચાંદીનું વેચાણ થયું હતું. સોનાના ભાવ તોલાના ૧.૫૫ લાખ અને ચાંદીના ભાવ કિલોના ૨.૬૫ લાખ હોવાથી બજારમાં અંદાજે રૂ. ૯૦ કરોડનો ધંધો થયો હતો. અખાત્રીજને કારણે રવિવારે પણ અમદાવાદનું સોની બજાર ધમધમતું રહ્યું હતું. વહેલી સવારથી જ બજારો ખુલી ગયા હતા અને મોડી સાંજ સુધી દુકાનો ખુલ્‍લી રહી હતી. અખાત્રીજથી લોકોએ લગ્ન માટે ખરીદીની શરૂઆત કરતાં લગડી અને સિક્કાની સાથે દાગીનાનું પણ વેચાણ થયું હતું. જ્‍યારે લગ્ન માટે મોટા ઓર્ડર મળ્‍યા હતા. અમદાવાદના સોની બજારમાં સવારથી જ તેજી જોવા મળતી હતી.

અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. લોકો નવા વાહનોની ખરીદી અખાત્રીજે કરતા હોય છે. અખાત્રીજે અમદાવાદમાં મોટી સંખ્‍યામાં સ્‍મોલ કારથી લઈને લક્‍ઝરી કારના વેચાણ થયા હતા, જ્‍યારે બાઈકનું પણ ધૂમ વેચાણ થયું હતું. અમદાવાદના ડિલર અભિમન્‍યુ અને મુકેશ શર્માના જણાવ્‍યા મુજબ મોટા પ્રમાણમાં કારના ઓર્ડર હોવાથી માસ ડિલિવરીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વર્ષોથી લોકો અખાત્રીજે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. ભાવ વધતાં ખરીદીનું પ્રમાણ ઘટ્‍યું છે, તેમ છતાં બજારમાં સોના-ચાંદીના સિક્કા અને લગડીની ભારે માગ રહી હતી. - જિગર સોની

અમદાવાદના બજારમાં ઘણા સમયથી મંદી જોવા મળતી હતી, જેને લઈને વેપારીઓ ચિતિત હતા. અખાત્રીજના દિવસે જેવી રીતે બુલિયન અને રિટેલમાં ખરીદી થઈ, તેને કારણે વેપારીઓને ઘણી રાહત મળી છે. આજની ખરીદીથી વેપારીઓ આનંદમાં આવી ગયા છે. -(બુલિયન)

અમદાવાદના બજારમાં લાંબા સમય બાદ તેજી લગ્નસરામાં ભાવવધારા વચ્‍ચે પણ ખરીદી

અમદાવાદના બજારમાં લાંબા સમય બાદ ફરીથી તેજી જોવા મળી છે, જે ખૂબ સારી બાબત છે. લગ્નસરામાં ભાવ વધારા વચ્‍ચે પણ ખરીદી થઈ. યુદ્ધને લીધે બજાર સ્‍તબ્‍ધ થઈ ગયું હતું, અખાત્રીજથી રિફ્રેશ થઈ ગયું

અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધને લઈને લોકો સોના-ચાંદીની ખરીદી કરવી કે નહીં તે મુદ્દે ચિતિત હતા અને દ્વિધામાં હતા ત્‍યારે અખાત્રીજથી જાણે કે બજાર રિફ્રેશ થઈ ગયું છે. (વેપારી સોની બજાર) 

 

(10:25 AM IST)