તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
પાટણમાં સપનાનું ઘર સજાવવાના ચક્કરમાં વેપારીને લાખોનો ફટકો: ઇન્ટિરિયર ડિઝાઇનના નામે આચરવામાં આવી ઠગાઈ
સોશિયલ મીડિયાની આકર્ષક જાહેરાતો જોઈને ફસાયા વેપારી: અમદાવાદની મહિલા સામે હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

હારીજ : પાટણ જિલ્લાના હારીજ શહેરના એક વેપારી સાથે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના નામે આશરે લાખો રૂપિયાની માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હારીજ ખાતે રહેતા અને વેપાર કરતા દેવાંગ ઠક્કરે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી મીતા ચાંદક નામની મહિલા સામે પોતાના સપનાના ઘરના ઇન્ટિરિયર કામ બાબતે વિશ્વાસઘાત અને લાખો રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો જોઈને પોતાના ઘરના સજાવટનું કામ સોંપનારા વેપારીને સમયસર કામ ન મળતા અને કરોડોની છેતરપિંડી બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ફરિયાદી વેપારીના જણાવ્યા મુજબ, તેમણે પોતાના નવા મકાનના ઇન્ટિરિયર ડિઝાઇન અને ડેકોરેશનનું કામ અમદાવાદની મીતા ચાંદકને સોંપ્યું હતું. આરોપી મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ આકર્ષક ફોટા અને વિડિયો મૂકીને ગ્રાહકોને ફસાવવામાં આવતા હતા. આ જાળમાં ફસાઈને વેપારીએ વચન મુજબ તબક્કાવાર રીતે કુલ રૂ. ૬૪ થી ૬૫ લાખ જેટલી મોટી રકમ ચૂકવી આપી હતી.
પરંતુ લાખો રૂપિયા ચૂકવી દીધા બાદ પણ મહિલા દ્વારા મકાનમાં માત્ર નામ પૂરતું જ કામ કરવામાં આવ્યું હતું. વેપારીના આક્ષેપ મુજબ, અંદાજે ૬૫ લાખની રકમ લેવા છતાં સ્થળ પર માંડ ૨૦ લાખ રૂપિયા જેટલું જ કામ કરવામાં આવ્યું છે અને બાકીનું કામ અધૂરું જ છોડી દેવામાં આવ્યું છે. જ્યારે વેપારીએ બાકીનું કામ પૂરું કરવા કે રકમ પરત આપવા માટે દબાણ કર્યું, ત્યારે મહિલા દ્વારા ટાલટૂલ કરવામાં આવી હતી અને ગલ્લાંતલ્લાં કરાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ એક જ કેસ નથી પરંતુ આ આરોપી મહિલા દ્વારા અન્ય ૧૬ જેટલા અલગ-અલગ લોકોને પણ આવી જ રીતે આકર્ષક વાતોમાં ફસાવીને લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ભોળા ગ્રાહકોને ટાર્ગેટ કરીને તેમની સાથે વિશ્વાસઘાત કરવાની આ મોડેસ ઓપરેન્ડીથી અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિત વેપારી દેવાંગ ઠક્કરે હારીજ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને આરોપી મહિલા મીતા ચાંદક વિરુદ્ધ સત્તાવાર રીતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ મામલે પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હારીજ પોલીસે આ કેસમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની મદદથી આરોપી મહિલાની સઘન તપાસ શરૂ કરી છે. અન્ય ભોગ બનનાર લોકોના નિવેદનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી આ પ્રકારે છેતરપિંડી આચરનાર ગેંગને ઝડપીને ન્યાય મેળવી શકાય.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
