<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અમદાવાદના શીલજના અવનીશ હાઈટ્સમાં વેપારીનો મૃતદેહ મળ્યો, ભત્રીજાએ જ હત્યા કર્યાનો આરોપ – CCTVથી ભાંડો ફૂટ્યો

પત્ની તીરુપતિમાં, પુત્ર સ્ટુડિયોમાં હતો ત્યારે ઘરમાં હત્યા; ઉદયપુરથી આરોપી ભત્રીજાની ધરપકડ, મોઢા પર ગંભીર ઇજાના નિશાન – બોપલ પોલીસની તપાસમાં ખુલાસો

અમદાવાદ તા. 14 : શહેરના શીલજ વિસ્તારમાં આવેલા અવનીશ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં મંગળવારે સવારે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા 56 વર્ષીય મનીષ ચોક્સીનો તેમના જ ફ્લેટમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

 

 

કેવી રીતે બની ઘટના?

 

 

પોલીસ સૂત્રો મુજબ મનીષભાઈ તેમના પરિવાર સાથે અવનીશ હાઈટ્સમાં રહેતા હતા. તેઓ અને તેમનો પુત્ર સમર્થ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મનીષભાઈની પત્ની હાલ તીરુપતિ ખાતે મેડિટેશન કાર્યક્રમ માટે ગયા હતા. 

સોમવારે રાત્રે પુત્ર સમર્થ કામના કારણે ટીઆરપી મોલમાં આવેલા પોતાના ફોટો સ્ટુડિયોમાં હતો. મોડીરાત્રે ઘરે પરત ફરી તે સુઈ ગયો હતો. દરરોજ મોર્નિંગ વોક માટે જતાં મનીષભાઈ મંગળવારે સવારે બહાર ન નીકળતા તેમના મિત્રોને શંકા ગઈ. અનેક વખત ફોન કરવા છતાં જવાબ ન મળતા મિત્રોએ સિક્યોરિટી ગાર્ડને ફ્લેટ પર મોકલ્યો હતો. 

 

ભત્રીજાએ જ કરી હત્યા?

 

 

મૃતદેહ પર ખાસ કરીને મોઢાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા, જેના આધારે હત્યાની આશંકા મજબૂત બની હતી. શરૂઆતમાં આ બનાવ સામાન્ય મોત કે લૂંટફાટનો લાગી રહ્યો હતો, પરંતુ પોલીસની ટેકનિકલ તપાસ અને *CCTV ફૂટેજે આખો હત્યાકાંડ ખુલ્લો પાડી દીધો.

 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યા *મનીષભાઈના ભત્રીજાએ જ કરી* હોવાનો આરોપ છે. બોપલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTVના આધારે આરોપી ભત્રીજાને *ઉદયપુરથી ઝડપી પાડ્યો છે. 

 

 

હત્યા પાછળનું કારણ શું?

 

હાલ પોલીસે આરોપી ભત્રીજાની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ પારિવારિક અદાવત કે પૈસાની લેતી-દેતી હત્યાનું કારણ હોઈ શકે છે. જોકે પોલીસે સત્તાવાર રીતે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. બોપલ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ દ્વારા વધુ તપાસ ચાલુ છે. 

ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

(4:48 PM IST)