<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

માટીના ગણેશજીની સ્‍થાપના અને પ્રાકૃતિક રીતે વિસર્જન કરીને આપણે ભક્‍તિની સાથે પ્રકૃતિનું પણ જતન કરી શકીએઃ અર્જુનભાઈ મોઢવાડિયા

ગાંધીનગર જીપીસીબી ખાતે ૧૪ સપ્‍ટેમ્‍બર સુધી ઈકો-ફ્રેન્‍ડલી ગણેશ પ્રતિમા નિર્માણ વર્કશોપઃ નાગરિકો માટીના ગણપતિ બનાવી પૂજન-અર્ચન માટે ઘરે લઈ જઈ શકશે : વનપર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે આસ્‍થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીપીસીબી ગાંધીનગરમા ઈકો-ફ્રેન્‍ડલી ગણેશ પ્રતિમા નિર્માણ સ્‍ટોલનું ઉદ્ધાટનઃ રાજ્‍ય મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ તા.૮: આસ્‍થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘‘બાપ્‍પા માટીના, ઉત્‍સવ પર્યાવરણનો'' સંકલ્‍પ થકી ગણેશોત્‍સવ નિમિત્તે ઈકો-ફ્રેન્‍ડલી ગણેશ પ્રતિમા નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત ગાંધીનગર સ્‍થિત GPCB વડી કચેરી ખાતે આયોજિત વિશેષ સ્‍ટોલ અને વર્કશોપનું ઉદ્ધાટન વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે રાજ્‍ય મંત્રી  પ્રવીણ માળી વિશેષ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

ઉદ્ધાટન દરમિયાન મંત્રીશ્રીઓ અને ઉપસ્‍થિત મહાનુભાવોએ જાતે માટીમાંથી ગણેશજીની પ્રતિમા કંડારી હતી તેમજ સ્‍થાનિક કલાકારો પાસેથી મૂર્તિ નિર્માણની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ આ સુંદર પહેલને બિરદાવતા જણાવ્‍યું હતું કે, ગણેશોત્‍સવ એ આપણી આસ્‍થા, શ્રદ્ધા અને ઉમંગનું પર્વ છે. પરંતુ પી.ઓ.પી.ની મૂર્તિઓ અને રાસાયણિક રંગોથી જળાશયો તથા પર્યાવરણને થતું નુકસાન અટકાવવું એ આપણી સૌની જવાબદારી છે. આથી માટીના ગણેશજીની સ્‍થાપના અને પ્રાકૃતિક રીતે વિસર્જન કરીને આપણે ભક્‍તિની સાથે પ્રકૃતિનું પણ જતન કરી શકીએ છીએ.  આ કાર્યક્રમમાં GPCBના અધ્‍યક્ષ  આર.બી.બારડ, સભ્‍ય સચિવ દિપાલી ટાંક સહિત અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:17 PM IST)