તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૭ ની લાયકાતની તારીખના આધારે ‘ખાસ સંક્ષિપ્ત સુધારણા’ (SSR) નો સુધારેલો કાર્યક્રમ જાહેર : આગામી ૨૭ નવેમ્બરે મુસદ્દા મતદાર યાદી થશે પ્રસિદ્ધ
ભારતની ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ૨૭ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર ૨૦૨૬ સુધી વાંધા-દાવા રજૂ કરી શકાશે, જ્યારે ૧૮ જાન્યુઆરી ૨૦૨૭ ના રોજ આખરી મતદાર યાદી કરવામાં આવશે પ્રસિદ્ધ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર ભારતના ચૂંટણી પંચ દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૨૧ હેઠળ તા. ૦૧.૦૧.૨૦૨૭ ની લાયકાતની તારીખના આધારે ગુજરાત સહિત દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ‘ખાસ સંક્ષિપ્ત સુધારણા’ (Special Summary Revision - SSR) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આ અંગેની સત્તાવાર પ્રેસનોટ જારી કરીને સુધારેલા કાર્યક્રમની વિગતો જાહેર કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટે એસએસઆર (SSR) ના કાર્યક્રમમાં સુધારો કરવામાં આવ્યો છે, જેનું નવું શિડ્યુલ નીચે મુજબ રહેશે:
* મતદાન મથકોનું પુનર્ગઠન/રૅશનલાઇઝેશન: તા. ૧૭.૧૧.૨૦૨૬ સુધી
* એકીકૃત મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ (Draft Publication): તા. ૨૭.૧૧.૨૦૨૬
* વાંધા અને દાવાઓ રજૂ કરવાનો સમયગાળો: તા. ૨૭.૧૧.૨૦૨૬ થી તા. ૨૬.૧૨.૨૦૨૬
* વાંધા-દાવાઓનો નિકાલ કરવાની આખરી તારીખ: તા. ૧૧.૦૧.૨૦૨૭ સુધી
* આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ (Final Publication): તા. ૧૮.૦૧.૨૦૨૭
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષની વય પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા યુવાનો અને નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધવાનો તેમજ તે પછીની ત્રણ લાયકાતની તારીખો એટલે કે ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબર, ૨૦૨૭ ના સંદર્ભમાં પણ અગાઉથી અરજીઓ પ્રાપ્ત કરવાનો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો અને વિશેષ કરીને પ્રથમ વખત મતદાર તરીકે જોડાઈ રહેલા યુવાનોને આ નિયત સમયગાળા દરમિયાન પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવવા અથવા જરૂરી સુધારા-વધારા કરાવવા માટે ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
