<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ધર્માંતરણ કરનારાઓનું અનામત રદ કરો! દિલ્હીના લાલ કિલ્લા પર ગર્જશે દેશભરના લાખો આદિવાસીઓ: ગુજરાતમાંથી ૩ સ્પેશિયલ ટ્રેનો ભરીને ૬૦૦૦ કાર્યકરો રવાના

અસ્તિત્વ અને સંસ્કૃતિ બચાવવા જનજાતિ સુરક્ષા મંચની આરપારની લડાઈ; ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિએ સંસદમાં ‘ડી-લિસ્ટિંગ બિલ’ પાસ કરાવવા ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં રજૂ કરાશે આવેદનપત્ર

નવસારી: પોતાની સદીઓ જૂની સંસ્કૃતિ, પરંપરાગત રૂઢિઓ અને અસ્તિત્વની રક્ષા કાજે સમગ્ર દેશના આદિવાસી સમાજે હવે દિલ્હીના સીમાડે મોરચો માંડ્યો છે. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવતીકાલે એટલે કે ૨૪ મે, રવિવારના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાન પર એક અભૂતપૂર્વ અને વિશાળ રાષ્ટ્રીય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાનારા આ 'જનજાતિ સાંસ્કૃતિક સમાગમ'માં દેશભરમાંથી લાખો આદિવાસી ભાઈઓ-બહેનો પોતાની પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડશે. આ ઐતિહાસિક આંદોલનના સાક્ષી બનવા માટે એકલા ગુજરાતમાંથી જ આશરે ૬૦૦૦ જેટલા જનજાતિ સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દિલ્હી પહોંચી રહ્યા છે.
આ મહારેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદમાં 'ડી-લિસ્ટિંગ બિલ' (Delisting Bill) પાસ કરાવવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાનો છે. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના મહામંત્રી યોગેશ ગામીતે જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી આ જંગ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેનો બુક કરવામાં આવી છે, જેમાંથી ગોધરા અને ભરૂચથી બે ટ્રેનો અગાઉ જ રવાના થઈ ચૂકી છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતના નવસારીના ઐતિહાસિક રામજી મંદિર ખાતે પાંચ જિલ્લા અને દાદરા નગર હવેલીના ૨૦૦૦થી વધુ લોકો એકઠા થયા હતા અને સવારે ૮ વાગ્યે ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય રેલી સ્વરૂપે નવસારી રેલવે સ્ટેશન પહોંચી વિશેષ ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા.
ડી-લિસ્ટિંગ એટલે શું?
'ડી-લિસ્ટિંગ' એટલે બંધારણીય યાદીમાંથી નામ હટાવવું. ભારતના બંધારણ હેઠળ આદિવાસી સમાજને 'અનુસૂચિત જનજાતિ' (ST)ની યાદીમાં સામેલ કરીને નોકરી, શિક્ષણ અને ચૂંટણીમાં અનામતનો લાભ આપવામાં આવે છે. જનજાતિ મંચની માંગ છે કે જે લોકો આદિવાસી સંસ્કૃતિ છોડી અન્ય ધર્મમાં વટલાઈ ગયા છે, તેમને આ લાભો મળવા જોઈએ નહીં.
જનજાતિ કલ્યાણ આશ્રમના અગ્રણી અતુલ વળવીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગામડાઓમાં થઈ રહેલા ધર્માંતરણના કારણે મૂળ આદિવાસી સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જે લોકો પોતાની મૂળ પૂજા પદ્ધતિ અને રીત-રિવાજો છોડી ચૂક્યા છે, તેઓ બેવડો લાભ ખાટી રહ્યા છે. અનામતનો ખરો લાભ માત્ર અને માત્ર એવા જ લોકોને મળવો જોઈએ જેઓ આજે પણ પોતાની પરંપરાગત રૂઢિઓ સાથે જોડાયેલા છે.
આવતીકાલે બપોરે ૩ વાગ્યે દિલ્હીના અલગ-અલગ પાંચ વ્યુહાત્મક સ્થળોએથી ભવ્ય સાંસ્કૃતિક રેલીઓ નીકળશે, જે લાલ કિલ્લાના મેદાન પર મહાસભામાં પરિવર્તિત થશે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. આ નિર્ણાયક લડાઈના અંતે જનજાતિ સુરક્ષા મંચના અગ્રણીઓ દ્વારા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને કાયદાકીય સુધારો કરવા બાબતે એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવશે.

(7:20 PM IST)