તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
મચ્છરદાની પહેરીને ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવાર: નવસારીમાં અનોખો વિરોધ
શહેરમાં મચ્છરોનો આતંક અને દૂષિત પાણીની ગંભીર સમસ્યા મુદ્દે કોંગ્રેસના ઉમેદવારે ધારણ કર્યો અનોખો વેશ, હાથમાં ગંદા પાણીની બોટલ સાથે કલેક્ટર કચેરીએ પહોંચતા તંત્રમાં મચી ગઈ ભારે દોડધામ

નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નવસારીમાં વિરોધ પ્રદર્શનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મર રવિવારે જ્યારે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા, ત્યારે તેમનો અંદાજ જોઈને સૌ કોઈ અવાક રહી ગયા હતા. ઉમેદવાર પોતે શરીર પર મચ્છરદાની લપેટીને અને હાથમાં દૂષિત પાણીની બોટલ લઈને જિલ્લા પંચાયત કચેરીએ ફોર્મ ભરવા માટે આવ્યા હતા. સત્તાધારી પક્ષ અને સ્થાનિક તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે અપનાવાયેલો આ પ્રતિકાત્મક માર્ગ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઉમેદવાર પિયુષ ઢીમ્મરે મીડિયા સાથેની વાતચીતમાં તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, નવસારીના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી ગંદા પાણી અને મચ્છરોના અસહ્ય ઉપદ્રવને કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. અનેક રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના કાન સુધી જનતાનો અવાજ પહોંચતો નથી. કરોડો રૂપિયાના બજેટ માત્ર કાગળ પર જ વપરાતા હોય તેમ લાગે છે, કારણ કે વાસ્તવિકતામાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નસીબ થતું નથી. આ પાયાની સમસ્યાઓ તરફ ધ્યાન દોરવા માટે તેમણે આ અનોખો માર્ગ પસંદ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આ અનોખા વિરોધ પ્રદર્શને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ અને અન્ય રાજકીય પક્ષોનું ધ્યાન ખેંચ્યું હતું. મચ્છરદાની પહેરીને ફોર્મ ભરવાની આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયુવેગે વાયરલ થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને આગામી ચૂંટણીમાં મુખ્ય હથિયાર બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બીજી તરફ, તંત્ર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ જનતાની મૂળભૂત સુવિધાઓના અભાવે નેતાઓ દ્વારા કરાયેલા આ પ્રકારના વિરોધે શાસક પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
