News of Sunday, 26th April 2026
મતદાન વેળાએ નવસારીમાં ઉમેદવારને ઝીંકાયો લાફો! બોટાદના કાપરડીયાળી ગામે બે જૂથો વચ્ચે અથડામણ
અમદાવાદના દાણીલીમડામાં બોગસ વોટિંગના આક્ષેપો વચ્ચે ભારે હોબાળો :અમરેલીમાં મતદારનો વોટ અન્ય વ્યક્તિ આપી જતા ચૂંટણી તંત્રની મોટી ક્ષતિ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન લોકશાહીના પર્વમાં હિંસા અને હોબાળાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. રાજ્યના નવસારી, બોટાદ, અમરેલી અને અમદાવાદ જેવા શહેરોમાં રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો સામસામે આવી જતા માહોલ તંગ બન્યો હતો.
નવસારીના વોર્ડ નં. 13 માં ચૂંટણી ત્યારે હિંસક બની જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડ અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ. આ દરમિયાન ભાજપના ઉમેદવાર માધવી શેઠના સસરા સુરેશ શેઠે કોંગ્રેસી ઉમેદવારને લાફો ઝીંકી દેતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર ન્યાયની માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા.
બોટાદના કાપરડીયાળી ગામે મતદાન મથક પાસે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. આ મારામારીમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી તરફ અમરેલીના વોર્ડ નં. 10 માં વિક્રમ સોલડીયા નામના યુવકનો મત કોઈ અન્ય વ્યક્તિએ આપી દીધો હોવાનો કિસ્સો સામે આવતા 'બોગસ વોટિંગ' ના આક્ષેપો થયા હતા.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પણ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીં ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર શર્માએ કોંગ્રેસ પર બોગસ વોટિંગનો આક્ષેપ કર્યો હતો. હોબાળા દરમિયાન વિનોદચંદ્ર શર્માની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોડીનારના સિંધાજ ગામે પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સમગ્ર રાજ્યમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
