<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

મતદારોના અકળ અંડરકરંટથી ઉમેદવારો ચકરાવે ચડયાઃ રાજકીય પક્ષો ચિંતામાં

મત માગવા જતા ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોને પણ આકરાં સવાલ પૂછતા મતદારોઃ ઉમેદવારો સાથે ટોચના નેતાઓને પણ છેલ્‍લી ઘડી સુધી દોડતા રહેવું પડે તેવી સ્‍થિતિ : મતદારો હજુ સુધી કોઇપણ તરફી હોવાના સંકેત આપી રહ્યા નથી જેના કારણે ઉમેદવારો સાથે પક્ષોના મુખ્‍ય નેતાઓને પણ ભરઉનાળે એસી ચેમ્‍બર છોડીને દોડવું પડી રહ્યું છે

અમદાવાદ,તા.૨૧: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં મતદાનને  થોડો જ સમય બાકી રહ્યો છે અને ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દેવાયો છે. તેમ છતાં મતદારો દ્વારા મત માગવા જતા ભાજપ, કોંગ્રેસ કે આપના ઉમેદવારોને પણ આકરા સવાલો કરી રહ્યા છે એટલું જ નહીં પોતાનું મન કળવા દેતા નથી તેના કારણે અંડરકરંટ અલગ જ ચાલી રહ્યો હોવાની ભીતિથી તમામ પક્ષો ચકરાવે ચડ્‍યા હોય તેવી સ્‍થિતિ છે. અણધાર્યા પરિણામ પણ આવી જાય તેના કારણે ટોચના નેતાઓને પણ ચૂંટણી મેદાનમાં સતત દોડતા રહેવું પડે તેવી સ્‍થિતિ સર્જાઇ છે.

નગરપાલિકા-મહાનગરપાલિકા અને તાલુકા-જિલ્‍લા પંચાયતની ચૂંટણીઓ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાની સેમીફાઇનલ સમાન ગણાય છે. જેથી ભાજપ, કોંગ્રેસ કે આપના ઉમેદવારો અને નેતાઓ મહત્તમ બેઠકો મેળવી ગુજરાતમાં કોનું વર્ચસ્‍વ છે તે દર્શાવવા આકાશપાતાળ એક કરી રહ્યા છે. બીજી બાજુ મતદારો હજુ સુધી કોઇપણ તરફી હોવાના સંકેત આપી રહ્યા નથી જેના કારણે ઉમેદવારો સાથે પક્ષોના મુખ્‍ય નેતાઓને પણ ભરઉનાળે એસી ચેમ્‍બર છોડીને દોડવું પડી રહ્યું છે. સામાન્‍ય રીતે સ્‍થાનિક ચૂંટણીઓમાં શાસક પક્ષ ભાજપનું પ્રતિનિધિત્‍વ રહ્યું છે. ૨૦૨૧માં યોજાયેલી સ્‍થાનિક ચૂંટણીઓમાં ભાજપનું સ્‍ટીમ રોલર ફરી વળ્‍યું હતું. જો કે ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલન સહિત એન્‍ટી ઇન્‍કમ્‍બન્‍સી ફેકટરનો સાથ મળતા ભાજપ અને કોંગ્રેસને મળતા મતનો તફાવત ઘટી ગયો હતો. મહાનગરોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો પરંતુ જિલ્‍લા પંચાયતમાં ભાજપને ૪૫.૬૨ ટકા અને કોંગ્રેસને ૪૯.૧૬ ટકા મત મળ્‍યા હતા. તો તાલુકા પંચાયતમાં પણ ભાજપને ૪૪.૪૯ ટકા અને કોંગ્રેસને ૪૭.૪૭ ટકા મળ્‍યા હતા. હાલ કોંગ્રેસ દ્વારા મતદારોમાં નારાજગી હોવાનો દાવો કરાઇ રહ્યો છે અને અંદરખાને પ્રવાહ ભાજપ વિરોધી હોવાનું કહેવાઇ રહ્યું છે. તો ભાજપ તેના દેખીતા વિકાસકામો અને બ્રાન્‍ડ નરેન્‍દ્ર મોદી ઉપર મુસ્‍તાક છે. મહાનગરોથી લઇ તાલુકા સુધી પથરાયેલા કાર્યકરોના નેટવર્ક અને પહોંચના કારણે ૨૦૨૧ કરતા પણ મોટુ સ્‍ટીમ રોલર ફરી વળશે તેવો દાવો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. આ બન્ને વચ્‍ચે કાઠુ કાઠવા મથી રહેલી આમ આદમી પાર્ટીએ પસંદગીના વિસ્‍તારોમાં ઘૂસ મારવાનો વ્‍યૂહ અજમાવ્‍યો છે. આપ ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેથી નારાજ હોય તેવા મતદારોને ખેંચવા પ્રયાસ કરી રહી છે.

 રાજકીય પક્ષોના નેતાઓના દાવાઓ વચ્‍ચે અત્‍યાર સુધી થયેલા પ્રચાર દરમિયાન ગ્રાઉન્‍ડ રિઆલિટી અલગ જ બહાર આવી રહી છે. સોશિયલ મીડિયા થકી જાગૃત થયેલા નેતાઓ કોઇપણ પક્ષ કે ઉમેદવારને આકરા સવાલ પૂછી રહ્યા છે. શાસક પક્ષનો ઉમેદવાર હોય તો પાંચ વર્ષ સુધી શું કર્યું તેવા સવાલ પૂછે છે અને વિપક્ષના ઉમેદવારને ચૂંટણી સમયે જ કેમ દેખાયા તેવા આકરા સવાલ કરીને ફાંફે ચડાવી રહ્યા છે. મતદારોના ફેકટર સાથે દરેક પક્ષની આંતરિક નારાજગી પણ આ વખતે મહત્‍વનો ભાગ બની છે. કોંગ્રેસ અને આપની સાથે ભાજપ પણ તેમાં બાકાત નથી. આપના અનેક પ્રદેશ કક્ષા સુધીના નેતાઓ ચૂંટણી સમયે જ પાર્ટી છોડી ગયા છે. કોંગ્રેસમાં પણ તેવી જ હાલત સાથે ટિકિટ નહીં મળતા મહિલા નેતાને લાફો મારવા સુધીની નોબત આવી છે. તો ભાજપમાં ખાસ કરીને મહાનગરોમાં સીટીંગ કોર્પોરેટરે ગમે તેટલું સારૂ કામ કર્યું હોય તો પણ ધારાસભ્‍યોએ પોતાની લાઇન ચલાવીને તેને કાપી નાખતા અંદરખાને રોષની લાગણી છે. તેની વચ્‍ચે મતદારને મતદાનના દિવસે મતદાન મથક સુધી ખેંચી લાવવાનો પડકાર પણ તમામ પક્ષો માટે રહેવાનો છે.

(1:41 PM IST)