<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ગાંધીનગરમાં CCE પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોનો હલ્લાબોલ : ઓફલાઇન પરીક્ષાની ઉગ્ર માગ : ગૌણ સેવા કચેરીએ ઉમેદવારોની કૂચ

ગ્રુપ-Aનું પરિણામ અને ગ્રુપ-Bની પરીક્ષા તારીખ જાહેર કરવાની માગ : પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે CCEના ઉમેદવારો પણ ગૌણ સેવા કચેરીએ પહોંચ્યા અને માંગણીઓ રજૂ કરી

ગાંધીનગર  તા.૨૭ :  રાજધાની ગાંધીનગરમાં CCE પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ આજે CCEની પરીક્ષા આપનાર ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારોએ CCE પરીક્ષા ઓફલાઇન પદ્ધતિથી લેવાની ઉગ્ર માગ કરી હતી.

 

CCEની પરીક્ષા આપતા ઉમેદવારોએ મુખ્ય બે માંગને લઈને સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી છે. ઉમેદવારોની માગ છે કે CCE ગ્રુપ-Aનું પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેમજ CCE ગ્રુપ-Bની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે. ઉમેદવારોએ રજૂઆત કરી કે ઓનલાઇન પરીક્ષા પદ્ધતિમાં અનેક ટેકનિકલ ખામીઓ સર્જાય છે અને ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોને ભારે મુશ્કેલી પડે છે. જેથી પરીક્ષા ઓફલાઇન મોડમાં લેવામાં આવે તેવી માગ ઉમેદવારોએ બુલંદ બનાવી છે.

 

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પરીક્ષાઓને લઈને ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિરોધ થઈ રહ્યો હતો ત્યારે CCEના ઉમેદવારો પણ ગૌણ સેવા કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

 

(3:39 PM IST)