તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 16th September 2026
ગરબા રમવા પાર્ટનર નથી મળતો? ચિંતા છોડો! ગુજરાતી યુવકે શોધી કાઢ્યો અનોખો 'બિઝનેસ આઈડિયા'
₹૧૦૦૦ થી ₹૨૦૦૦ ના સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પેકેજ વિથ સેલ્ફી-રીલ્સ: કૃષ્ણ મિસ્ત્રીની "ગરબા પાર્ટનર ફોર હાયર" પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

અમદાવાદ: નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ખેલૈયાઓમાં ગરબા રાતો, મેચિંગ ટ્રેડિશનલ પોશાક અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ભારે ક્રેઝ જોવા મળે છે. જોકે, ઘણા લોકોને ગરબા રમવા માટે યોગ્ય પાર્ટનર ન મળવાની મોટી સમસ્યા સતાવતી હોય છે. આ જ સમસ્યામાંથી એક ગુજરાતી યુવકે અનોખી કમાણીનો માર્ગ શોધી કાઢ્યો છે અને 'ગરબા પાર્ટનર હાયર' કરવાનો રસપ્રદ આઈડિયા સોશિયલ મીડિયા પર રજૂ કરતા જ તે વાયરલ થયો છે.
ઇન્સ્ટાગ્રામ યુઝર કૃષ્ણ મિસ્ત્રીએ "ગરબા પાર્ટનરને હાયર કરો" નામની વિશિષ્ટ સેવા માટે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ગરબા પ્રેમીઓ માટે અલગ-અલગ સુવિધાઓ ધરાવતા ત્રણ ખાસ પેકેજ જાહેર કર્યા છે:
સિલ્વર પેકેજ (₹૧,૦૦૦): આ બેઝિક પેકેજમાં બે કલાક ગરબા રમવા, મેચિંગ કપડાં પહેરવા, ગરબાના મૂળભૂત સ્ટેપ્સ શીખવવા અને સેલ્ફી પડાવવાનો સમાવેશ થાય છે.
ગોલ્ડ પેકેજ (₹૧,૫૦૦): આ પેકેજમાં ચાર કલાક ગરબા, બંને કેવી રીતે મળ્યા તેની કાલ્પનિક રસપ્રદ વાર્તા બનાવવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે સ્પેશિયલ વીડિયો બનાવવાની સુવિધા આપવામાં આવે છે.
પ્લેટિનમ પેકેજ (₹૨,૦૦૦): આ સૌથી પ્રીમિયમ પેકેજમાં આખો દિવસ સાથે ગરબા રમવા, ગરબા પૂરા થયા બાદ કપાળ પર ચુંબન (ફોરહેડ કિસ), દુપટ્ટા અને કાનની બુટ્ટી સરખી કરવામાં મદદ કરવી અને સુરક્ષિત રીતે ઘરે ડ્રોપ કરવાનો સમાવેશ થાય છે.
આ પોસ્ટ વાયરલ થતાં જ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ તરફથી ભારે રમુજી અને રસપ્રદ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. લોકો આ વિચારને કમાણીનો નવો સ્ત્રોત ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ પોતાના અને પોતાના મિત્રો માટે બુકિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આ સેવા વાસ્તવિક વ્યાવસાયિક સેવાનો ભાગ છે કે પછી માત્ર મનોરંજન માટે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ છે તે અંગે સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
