<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અમદાવાદના રખિયાલના ગરીબનગરમાં કાર ચાલકને અચાનક હાર્ટએટેક આવતા અકસ્માત :એક વ્યક્તિનું મોત : 4 લોકોને ઇજા

અકસ્માત બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા આક્રોશિત ટોળાને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રખિયાલ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલમાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલી એક કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને અડફેટે લેતા એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા, જેને વિખેરવા માટે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરુણ અકસ્માત રખિયાલના ગરીબનગર વિસ્તારમાં સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એક કાર અચાનક જ અનિયંત્રિત થઈને રસ્તા પર દોડવા લાગી હતી અને ત્યાંથી પસાર થતા લોકોને અડફેટે લીધા હતા. વહીવટી અને તબીબી સૂત્રો તરફથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, કાર ચાલકને ચાલુ વાહને અચાનક હાર્ટ એટેકે આવાતાં ચાલકે વાહન પરથી સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના લીધે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

અકસ્માત એટલો ભયાવહ હતો કે એક વ્યક્તિના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ગરીબનગર વિસ્તારમાં સ્થાનિક રહીશોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં રખિયાલ પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે આખરે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(11:27 PM IST)