<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

અંધારામાં ટર્ન લેવા જતાં પાણીના ધસમસતા વહેણમાં કાર ખાબકીઃ અમદાવાદના ૪ યુવકોના મોત

ખેડામાં ભારે વરસાદ વચ્‍ચે કરુણ દુર્ઘટનાઃ કારમાં ફસાયેલા ૬ લોકોમાંથી ૪ યુવકોના ઘટનાસ્‍થળે જ કરુણ મોત : ૨ લોકોને બચાવી સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા

ખેડા,તા.૨૪: જિલ્‍લામાં વરસી રહેલા ભારે વરસાદ વચ્‍ચે એક અત્‍યંત દુઃખદ અને ગોઝારી દુર્ઘટના સામે આવી છે. માતર-ખેડા હાઈવે પરથી મોતીપુરા જવાના રસ્‍તા પર આવેલા ગરનાળાના ધસમસતા પાણીના પ્રવાહમાં અમદાવાદ પાસિગની અર્ટિગા કાર ખાબકી હતી. અંધારા અને વરસાદના કારણે શાર્પ ટર્ન પર કાર ચાલકે સંતુલન ગુમાવતા કાર પલટી મારીને પાણીમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર કુલ ૬ લોકોમાંથી ૪ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્‍યા છે, જ્‍યારે ૨ લોકોને સમયસૂચકતા અને સ્‍થાનિકોની મદદથી જીવિત બચાવી લેવાયા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ તરફથી આવી રહેલી અર્ટિગા કાર માતર-ખેડા હાઈવે પરથી મોતીપુરા તરફ જઈ રહી હતી. તે સમયે મુસળધાર વરસાદ અને ભારે અંધારાને કારણે રસ્‍તા પર આવેલા શાર્પ ટર્ન પરથી કાર અચાનક પલટી મારી ગઈ હતી અને ગરનાળાના ધસમસતા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી.

ઘટનાને પગલે આસપાસના વિસ્‍તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખેડા ફાયર બ્રિગેડ, SDM સૂરજ બારોટ, માતરના ધારાસભ્‍ય કલ્‍પેશ પરમાર, SP વિજય પટેલ, DySP તેમજ મામલતદાર સહિતનો ઉચ્‍ચ પોલીસ કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી આવ્‍યો હતો.

ફાયર વિભાગે ભારે જહેમત અને રેસ્‍ક્‍યૂ ઓપરેશન બાદ કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, કારમાં ફસાયેલા ૬ લોકોમાંથી ૪ યુવકોના ઘટનાસ્‍થળે જ કરુણ મોત નીપજ્‍યા હતા. તંત્ર દ્વારા બચાવી લેવાયેલા ૨ ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર અર્થે નજીકની ખેડા સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. મૃત્‍યુ પામેલા તમામ ૪ યુવકોના મૃતદેહોને પંચનામું કરી ભ્‍પ્‍ અર્થે ખેડા સિવિલ હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યા છે.

રાજ સંજયભાઈ રાઠોડ (ઉં.વ. ૨૬, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)

બિરેન્‍દ્રસિંહ શેખાવત (ઉં.વ. ૨૬, મૂળ રાજસ્‍થાન, હાલ રહે. CTM, અમદાવાદ)

મુસ્‍તકીમ રાજપૂત (ઉં.વ. ૧૯, રહે. રખિયાલ, અમદાવાદ)

મયુરભાઈ મહેશભાઈ પંચાલ (ઉં.વ. ૩૪, રહે. ન્‍યુ મણિનગર, અમદાવાદ)

સારવાર હેઠળના ઈજાગ્રસ્‍તોઃ ધર્મેન્‍દ્રસિહ કુલદીપસિહ ગીલ (ઉં.વ. ૩૮, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)

મુકેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૨, રહે. હાટકેશ્વર, અમરાઈવાડી, અમદાવાદ)

અમદાવાદના યુવકો કાળનો કોળિયો બનતા તેમના પરિવારજનો પર અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્‍યું છે. સ્‍થાનિક પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

(10:03 AM IST)